અરબી સમુદ્રમાં આવેલા શિયાળબેટ ટાપુને આઝાદી પછી પણ વીજળી પૂરી પાડી શકાઈ નહોતી. પાંચ હજારની વસ્તી અને મુખ્યત્વે માછીમાર પરિવારો ધરાવતા આ ટાપુની પ્રજા છ દાયકાથીય વધુ સમયથી અંધકારમાં જીવતી હતી. આ મુદ્દો રાજ્ય સરકાર સામે આવતાં થોડા સમય પહેલાં સરકારે રૂ. ૧૯ કરોડના ખર્ચે શિયાળબેટ પર વીજળી પહોંચાડવાનું આયોજન હાથ ધર્યું હતું અને દરિયાના પેટાળમાં કેબલ પાથરવાનું કામ શરૂ કર્યું હતું. જેના પરિણામે પહેલી મેથી શિયાળબેટમાં વીજળી આવી ને ટાપુ ઝળહળતો કરાયો છે.
• સાંસદ નારણ કાછડિયાને ત્રણ વર્ષની જેલનો હુકમ રદઃ અમરેલી સિવિલ હોસ્પિટલના તબીબ ડાભીને અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયાએ પહેલી જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ તેમની જ્ઞાતિ વિશે ટિપ્પણી સાથે હડધૂત કરીને તેમની ફરજમાં રૂકાવટ કર્યા અંગેની ફરિયાદ અમરેલી સિટી પોલીસમાં નોંધાઈ હતી. જે અંગેનો કેસ અમરેલી કોર્ટમાં ચાલી જતાં જજે સાંસદને ત્રણ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો. જે સજા માફી અંગે સાંસદ દ્વારા હાઈ કોર્ટના દ્વાર ખખડાવતાં સાંસદની અરજી રદ થતાં સુપ્રીમ કોર્ટનો આશરો લીધો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતાં સાંસદની ત્રણ વર્ષની સજા રદ કરીને રૂ. પાંચ લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરતાં કાછડિયાની સંસદસભ્યનું પદ જશે તેવી ભીતિ દૂર થઈ હતી.
• કેસરનો સારો ફાલ ઉતરતાં કેરી સસ્તીઃ ઉનાળો આવતાં જ જૂનાગઢ પંથકમાં પાકતી કેસર કેરીની માગ વિશ્વભરમાં શરૂ થઈ જાય છે ત્યારે સારા સમાચાર એ છે કે જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક વધવા માંડી છે. કેરીનો ફાલ સારો ઉતરતાં આ વર્ષે કેસર કેરીના ભાવમાં પણ ઘટાડો થતાં ગ્રાહકોમાં આનંદ ફેલાયો છે. સોમવારે જૂનાગઢની સ્થાનિક બજારોમાં કાચી કેસર કેરીના મણ દીઠ રૂ. ૨૦૦થી ૧૨૦૦ તથા પાકેલી કેરીના રૂ. ૬૦૦થી ૧૪૦૦ લેખે હરાજી થઈ હતી.
• ઉપલેટામાં રંગભૂમિ, ફાયર સ્ટેશનનું લોકાર્પણઃ નગરપાલિકા દ્વારા ૨૯મી એપ્રિલના રોજ ભાજપના પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણીની હાજરીમાં નગરપાલિકા દ્વારા નવનિર્મિત રવિન્દ્રનાથ ટાગોર રંગભવન તથા ફાયર સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
• જામનગરમાં ૭૦ એમ.એલ.ડી. સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યાન્વિતઃ વિશ્વ બેંકની સહાયથી જામનગરમાં ગંદા પાણીના શુદ્ધિકરણ માટે રૂ. ૧૫૦.૬૦ કરોડના ખર્ચે ૭૦ એમએલડી સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા રૂ. ૧૧૬.૫૬ કરોડના ખર્ચે ૨૦૪ કિ.મી.ની ભૂગર્ભ ગટરની પાઇપલાઇનનું લોકાર્પણ પહેલી મેએ કરવામાં આવ્યું હતું.
• ગઢડામાં દીપડાની અદાઃ જામવાળા રોડ પર આવેલા જાંખિયા ફોરેસ્ટ ચેકપોસ્ટની નજીક વનવિભાગના કર્મચારીઓના આવાસ છે ત્યાં તાજેતરમાં મોડી રાત્રે આવાસના કંમ્પાઉન્ડની દીવાલ પર લાંબા સમય સુધી દીપડો દેખાયો હતો અને દીપડો એવી અદામાં હતો કે જાણે ફોટો સેશન કરાવતો હતો.