જામનગર: દ્વારકાના જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના ભક્તો ખાસ કરીને વારાદાર પુજારીઓ ભગવાનને શીત ઋતુમાં ગરમ કપડાં, મોસમને અનુરૂપ ભોગ તેમજ સગડીનું તાપણું કરે છે. હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે. લોકો ગરમ વસ્ત્રો પહેરે છે. તો ભગવાનના ભક્તો ભગવાનને શીત રાત્રિમાં ગરમ વસ્ત્રો પરિધાન કરાવે છે. સવારે અભિષેકમાં ચાંદીની સગડીમાં તાપણું કરી ભગવાનને ઠંડી ના લાગે તેવો ભાવ વ્યક્ત કરે છે.
શિયાળાના સમયમાં અભિષેક સ્નાન બાદ ભગવાનની સેજામાં સૌભાગ્ય સૂંઠ ધરાવે છે. જેમાં સૂંઠ, ઘી, ગોળ, તજ, લવિંગ, જાવિત્રી, કસ્તુરી, કેસર, કાળી મુસળી, ધોળી મુસળી, બદામ, પીસ્તા, કાજુ ઠાકોરજીને ધરવામાં આવે છે. ચાંદીના વાસણમાં કેસરયુક્ત દૂધ ધરી ઠંડી ઓછી પડે તેવો ભાવ કરવામાં આવે છે. ભગવાનને ધરાવાતા રાજભોગમાં અડદિયા તેમ જ રિંગણાનો ઓળો વગેરે ધરવામાં આવે છે. આવી જ રીતે સંધ્યા સમય બાદ શ્રીજીને ગરમ ઉનના કપડા, શાલ, સિલ્કની રજાઈ વગેરે પહેરાવી, સગડીનું તાપણું કરી પોઢાડવામાં આવે છે. આગામી વસંતપંચમીના જ્યારે ગ્રીષ્મઋતુની શરૂઆત સુધી આજ રીતે ભગવાનની સેવા પૂજારી પરિવાર દ્વારા કરવામાં આવે છે.