રાજકોટઃ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર શિક્ષણ, આરોગ્ય અને સમાજસેવા માટે દાન માટે આપવાનો સંકલ્પ કરીને અત્યાર સુધીમાં 21 કરોડ રૂપિયાનું દાન કરી ચૂકેલા હાસ્યકલાકાર ડો. જગદીશ ત્રિવેદીએ તેમના મિત્ર લેખક-વક્તા જય વસાવડાની પચાસમી વર્ષગાંઠે એક અનોખો સંકલ્પ અઢી વર્ષ પહેલાં પૂ. મોરારીબાપુ સમક્ષ જાહેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જય વસાવડાના નામનું પુસ્તકાલય બનાવવું છે. જય વસાવડાને તેમના માતાએ જે ઘેર-શિક્ષણ આપેલું એનાથી પ્રભાવિત જગદીશભાઈએ વિશ્વપ્રવાસી જય વસાવડાની ઇચ્છા મુજબની જગ્યાએ સંપૂર્ણ આર્થિક સહયોગ સાથે તેમના નામનું પુસ્તકાલય રાજકોટમાં ગાંધીજીની ચેતનાથી સિંચાયેલી ભૂમિ રાષ્ટ્રીય શાળા ખાતે તૈયાર કરાવ્યું છે. ગાંધીજી પોતે જે ઓરડામાં કાયમ રોકાતા એની દીવાલ પાસેનો રૂમ રાષ્ટ્રીય શાળાના સંચાલકો દ્વારા આ નવેસરથી તૈયાર થયેલા પુસ્તકાલય માટે ફાળવ્યો હતો.
રવિવારે - 15 માર્ચે આ ‘જય વસાવડા પુસ્તકાલય’ના ઉદ્ઘાટનમાં નગરજનો ઊમટી પડ્યા હતા. કોઈ એક સર્જક બીજા સર્જકને જન્મદિનની ભેટ તરીકે લાઇબ્રેરી તૈયાર કરી આપે એવો આ દુનિયામાં બેજોડ દાખલો છે. જગદીશ ત્રિવેદીએ જય વસાવડાની માત્ર બે વર્ષની ભત્રીજી પ્રથાના કરકમળથી આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરાવ્યું હતું.
જગદીશ ત્રિવેદીએ થોમસ આલ્વા એડિસનથી આદરણીય મોરારીબાપુને યાદ કરીને ટૂંકુ પણ મનનીય પ્રવચન આપ્યું હતું. તેમણે આ મૌલિક વિચાર પોતાના પુત્ર મૌલિકનો હોવાનું જણાવી જયે કોલેજની કાયમી નોકરી છોડી, પણ ઘરમાં વિશાળ પુસ્તકસંગ્રહ આજે પણ રાખ્યો છે એ યાદ કરી ભાર મૂક્યો હતો કે જય વસાવડા વિદ્યાલય નહીં, પણ પુસ્તકાલયનું જ સંતાન છે. જય વસાવડાનાં માતાપિતા માટે તેમણે આદર પ્રગટ કરીને તેમની તસવીરો અંદર મુકાવી એ જોવા અનુરોધ કરેલો. જય વસાવડાએ પ્રતિસાદ આપતાં પોતાના ઘડતરમાં ગોંડલની અને રાજકોટની ધમસાણિયા કોલેજની લાઇબ્રેરીનો ફાળો અતુલ્ય ગણાવ્યો હતો. તેમણે પોતાના ઘડતરમાં ભાગ ભજવનાર ગુરુજનો સ્વ. ડો. જે. એમ. મહેતા અને સ્વ. ડો. રમેશ ફુલેત્રા સહિત અનેક સ્વજનોને યાદ કરીને કાયમ પ્રેમ કરતા ચાહકોનો આભાર માન્યો હતો. ગાંધીજી માટે અત્યંત આદર હોવાથી આ સંસ્થામાં સંકલ્પ સાકાર થયો એને જય વસાવડાએ આશીર્વાદ ગણાવ્યા હતા.
આ અવસરે રાષ્ટ્રીય શાળાના સંચાલક અને જાણીતા આગેવાન જીતુભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અઢી કરોડ રૂપિયાની રકમ ફાળવ્યા બાદ રાષ્ટ્રીય શાળામાં ઘણું નવું થયું છે, પણ અમારી લાઇબ્રેરી બંધ હતી, હવે એ નવારૂપે શરૂ થઈ એનો આનંદ છે. રાજ્યસભાના સંસદસભ્ય રામભાઈ મોકરિયા વ્યસ્તતા વચ્ચે પણ ખાસ હાજર રહ્યા અને કહ્યું હતું કે જગદીશ ત્રિવેદીએ ઉદાર હાથે સેંકડો જગ્યાએ દાન આપીને એ માન્યતા ખોટી ઠેરવી છે કે વિદ્વાન બ્રાહ્મણ યાચક જ હોય. આપણ સહુ માટે આ વાત ગૌરવપ્રદ છે. આ પ્રસંગે ઊમળકાભેર હાજર રાજકોટના રાજવી માંધાતા સિંહજીએ જણાવ્યું હતું કે ‘મારા પૂર્વજ સ્વ. લાખાજીરાજ બાપુએ ગાંધીજીથી પ્રભાવિત થઈ તેમનાં કાર્યો માટે આ શહેરની હૃદયસમી 65,000 વારની જગ્યા ભેટ આપેલી, ત્યાં આપણા જ નાગરિક જય વસાવડાના નામનું પુસ્તકાલય થાય એ શહેર માટે આનંદની ઘડી છે.


