જયસુખ પટેલની ધરપકડ થાય તો ભાજપને સૌરાષ્ટ્રમાં નુકસાનનો ડર

Wednesday 09th November 2022 05:24 EST
 
 

અમદાવાદઃ 135 માનવ-જિંદગીને ભરખી જનાર મોરબી ઝૂલતા પુલની કરુણાંતિકાને સપ્તાહ કરતાં વધુ સમય વીતી ગયો છે, પણ આ પુલનું સંચાલન સંભાળનાર કંપની કે તેના માલિકો સામે કોઇ પગલાં લેવાયા નથી.
ઝૂલતા પુલનું સમારકામ અને સંચાલનની જવાબદારી ધરાવનારી ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ આજેય લાપતા છે. આ કેસમાં નવ વ્યક્તિની ધરપકડ થઇ છે, પણ સરકારે આ કેસના આરોપી તરીકે ઓરેવા કે જયસુખ પટેલનું નામ મૂક્યું નથી તે મોટું આશ્ચર્ય છે.
એક અહેવાલ અનુસાર, આની પાછળનું કારણ રાજકીય અને સામાજિક છે, કારણ કે જયસુખ પટેલ કડવા પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થા અને જ્ઞાતિના મંડળોમાં ખૂબ સક્રિય છે. ભાજપને ચિંતા છે કે જો જયસુખ પટેલ સામે કોઇ પગલાં લેવાશે તો સૌરાષ્ટ્રમાં કડવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે તેવી મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાની ઓછામાં ઓછી 12 બેઠકો પર તેમને સામી ચૂંટણીએ નુકસાન થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર પછી કડવા પાટીદાર પણ ભાજપને સમર્થન કરતી જ્ઞાતિ છે. જયસુખ પટેલે પોતાના દાન થકી કડવા પાટીદાર સમાજની અનેક સંસ્થાઓને ઊભી કરી છે અને જયસુખ પટેલ સમાજના મોભી અને મોટા દાતા તરીકે ઓળખાય છે.
આ સંજોગોમાં તેમનું જયસુખ પટેલ માટે સીધું સમર્થન છે. જો સરકાર જયસુખ પટેલને ન્યાયાલયના કઠેડામાં લાવીને ઊભા કરી દે તો ભાજપને તકલીફ પડી જાય તેમાં સંદેહ નથી.
એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે ભાજપ સૌરાષ્ટ્રમાં કડવા પાટીદાર કરતા લેઉવા પાટીદાર સમાજને વિશેષ મહત્ત્વ આપે છે અને કડવા પાટીદારની ઉપેક્ષા કરે છે. સમાજના લોકોમાં હાલ ચર્ચા છે કે, જયસુખ પટેલને સરકાર ખોટી રીતે ફસાવીને કડવા પાટીદારોને અન્યાય કરવાની ફિરાકમાં છે.
જયસુખ પટેલ સરકાર સામે પડી શકે?
સૌરાષ્ટ્રની કડવા પાટીદાર જ્ઞાતિ સમાજના એક નેતાના જણાવ્યા અનુસાર જયસુખ પટેલ પોતે પણ આ ઘટનાને લઇને ભાજપ સરકાર સામે ગુસ્સે ભરાયેલા છે. તેઓ ભવિષ્યમાં કોર્ટ સામે હાજર થશે, તો તેઓ સરકારવિરોધી જુબાની આપી શકે છે. જોકે હજુ આ કિસ્સામાં સામાજિક રીતે ચર્ચા કરીને આગળની કાર્યવાહી નક્કી કરાશે.
ચૂંટણી બાદ કાર્યવાહીની શક્યતા
બીજી તરફ, રાજ્ય સરકારના સૂત્રોનું કહેવું છે કે મોરબી પુલ હોનારતમાં ક્યાંય કોઇ પણ વ્યક્તિને છોડવાના નથી. જયસુખ પટેલની સામે પણ યોગ્ય કાર્યવાહી કરવા માટે સરકાર વિચારાધીન છે. હાલ વિધાનસભાની ચૂંટણી પ્રાથમિકતા છે, પરંતુ ચૂંટણી બાદ ગમે ત્યારે આ કેસમાં જયસુખ સહિતના અન્ય જવાબદાર લોકો પર કાર્યવાહી અચૂક થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter