જાન લઈને ગયેલાં જાનૈયા બેજાન પાછા ફર્યાંઃ જાનૈયાઓ ભરેલી ટ્રક નદીમાં ખાબકતાં ૩૧નાં મોત

Wednesday 07th March 2018 06:08 EST
 
 

બોટાદ: ભાવનગરના અનિડા ગામના પ્રવીણભાઇ કોળી મંગળવારે છઠ્ઠી, માર્ચે સવારે તેમના પુત્ર વિજયની જાન લઇને ગઢડાના ટાટમ ગામ જઇ રહ્યા હતા ત્યારે ભાવનગર જિલ્લાના જ ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક સવારે સાતેક વાગ્યે ૬૫થી વધુ જાનૈયા ભરીને જતી ટ્રક રંઘોળા નદીમાં ખાબકી પડતાં ઘટનાસ્થળે જ ૨૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં. ટ્રકના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં પુલની રેલિંગ તોડીને નદીના કોરા પટમાં ટ્રક ખાબકી હતી. આ અકસ્માતમાં કુલ મૃત્યુઆંક ૩૧ને પાર થઈ ગયો છે.
આ ઘટના નજરે જોનારાએ જણાવ્યું હતું કે, ટ્રક રંઘોળા નદીના બ્રીજ નીચે ખાબકી હતી અને ગુલાંટ ખાઈને ઊંધી થઈ ગઈ હતી. જેથી ૬પથી વધુ સંખ્યામાં જાનૈયાઓ ટ્રક નીચે દબાઈ ગયા હતા. સૂકી ભઠ્ઠ નદીના પટમાં ટ્રક ઊંધી ખાબકતાં જાનૈયામાં સામેલ વરના માતા-પિતા ઉપરાંત ભાઇ-ભાભી, બહેન અને દાદીનાં પણ મૃત્યુ થયાં હતાં. ૨૩ મૃતકોનાં અંતિમ સંસ્કાર છઠ્ઠીએ સાંજે થયાં હતાં
વરરાજા અજાણ
વરરાજા વિજય પહેલાં આ જ ટ્રકમાં બેસીને પરણવા જવાનો હતો, પરંતુ ગાડીની વ્યવસ્થા થતાં તે ગાડીમાં ટાટમ નીકળ્યો હતો. વરરાજાની ગાડી પુલ પરથી પસાર થઈ ગયા પછી જાનની ટ્રકને અકસ્માત નડ્યો હતો. બીજી તરફ ટાટમ ગામે કોળી પરિવારની બે દીકરીઓના લગ્ન હતાં. જેમાં એક જાન બોટાદના શિયાનગરથી અને બીજી જાન અનિડાથી આવવાની હતી. શિયાનગરની જાન જાનૈયાઓ સાથે પહોંચી અને વિજયની માત્ર ગાડી જ માંડવે પહોંચી અને ત્યારે તો બન્ને વરરાજાના કન્યાપક્ષ દ્વારા પોંખણા કરાયા. એ પછી માંડવે અકસ્માતના સમાચાર મળ્યાં હતાં. જોકે વરરાજા વિજયને આ સમગ્ર ઘટનાથી અજાણ રખાઈને સાદાઈથી લગ્નવિધિ આટોપી લેવાઈ હતી અને લગ્નવિધિ બાદ વિજયને જાણ કરાઈ હતી કે તેણે સ્વજનો ગુમાવ્યા છે.
રક્તરંજિત ચીચીયારીઓ
ટ્રક નદીમાં પડતાં જ તેની નીચે દબાયેલા અને ઘાયલોની ‘બચાવો બચાવો’ની અને કણસાટની ચીચીયારીઓથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. અકસ્માતને પગલે આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી કરીને દબાયેલાઓને બહાર કાઢવા લાગ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ઈમરજન્સી સેવા ૧૦૮ મારફતે સિહોર, ઉમરાળા, ભાવનગર દવાખાને ખસેડાયાં હતાં. જ્યાં સારવાર હેઠળ આઠનાં મોત થયાં હતાં. જોકે કેટલાક દર્દીઓની હાલત પણ તબીબોએ ગંભીર દર્શાવી હતી. જ્યારે કેટલાક મૃતકોની ઓળખ પણ મુશ્કેલ બની હતી.
આશરે ર૯ ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઈજાગ્રસ્તો માટે લોહીની અછત ઉભી થતાં રકતદાતાઓને તત્કાલ રકતદાન માટે બોલાવવામાં આવ્યા હતાં. સોશિયલ મીડિયા પર રકતની જરૂર હોવાના મેસેજ વાયરલ થતાં કેટલાય રકતદાતાઓ હોસ્પિટલ પહોંચી ગયાં હતાં અને છઠ્ઠીએ સાંજ સુધીમાં આશરે ૩૬૦ લોકોએ રકતદાન કર્યું હતું.
મૃતકોના પરિવારને રૂ. ૪ લાખની સહાય
મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ મૃતક પરિવારને રૂ. ૪ લાખની સહાય અને ઘાયલોનો તમામ સારવાર ખર્ચ સરકાર ઉપાડશે તેવી જાહેરાત કરીને જણાવ્યું છે કે સરકાર અને ભાજપ પીડિતોની પડખે છે. ભાજપના પ્રવક્તાએ જણાવ્યું કે, ટીવી પરના દૃશ્યો જોઈને મારું હૃદય કંપી ગયું છે. ત્યારે સમાજ કે કોઈપણ વ્યક્તિને આ દુર્ઘટનામાં કેટલો આઘાત લાગ્યો હશે એ સમજી શકાય એવું છે. હું મૃતકોને ભાજપ તરફથી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છું. તમામ પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરું છું.
મૃતકોની યાદી
• પ્રવીણભાઈ વાઘેલા - વરરાજાના પિતા • પ્રભાબેન વાઘેલા - વરરાજાના માતા • જીણીબેન વાઘેલા - વરરાજાનાં દાદી • જસુબેન - વરરાજાના બહેન • શોભાબેન વાઘેલા • સુરાભાઈ મકવાણા
• કિશન વાઘેલા • વિક્રમ વાઘેલા • શાંતિભાઈ વાઘેલા
• દિનેશભાઈ પરમાર • સુરેશભાઈ પરમાર ગામ • જીતેન્દ્ર પરમાર ગામ • પુનાભાઈ પરમાર ગામ • ધીરૂભાઈ પરમાર ગામ • અસ્મિતાબેન વાઘેલા ગામ • હીરાબેન વાઘેલા • ભાવેશભાઈ ડાભી • સંજયભાઈ પરમાર • રવિભાઈ મકવાણા • હર્ષદભાઈ ડાભી • વસંતબેન મકવાણા • રૂપાબેન ચૌહાણ • અન્ય મૃતકોના નામ હજુ જાહેર થયા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter