જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસઃ પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદ

Saturday 22nd June 2019 08:16 EDT
 
 

જામનગરઃ જિલ્લાના જામજોધપુરમાં બનેલા કસ્ટોડિયલ ડેથના કેસમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટે તત્કાલીન એસએસપી તથા પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ઝાલાને દોષિત ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી છે. ૨૯ વર્ષ જૂના આ કેસમાં બંધના એલાન દરમિયાન અટકાયતમાં લેવાયેલા પ્રભુદાસ માધવજી વૈષ્નાણી પર અમાનુષી અત્યાચાર ગુજારાયો હતો અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ કેસમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટે ભટ્ટ અને ઝાલા ઉપરાંત બે પૂર્વ પીએસઆઈ સહિત પાંચ પોલીસકર્મીને મારકુટ કરવા બદલ દોષિત ઠરાવીને બે વર્ષની કેદ અને દંડ ફટકાર્યો છે. જોકે આ પાંચેય આરોપીઓએ ચુકાદા સામે હાઇ કોર્ટમાં અપીલ કરવા મંજૂરી માંગતા કોર્ટે તેમની અરજી મંજૂર કરીને જામીન પર મુક્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, સંજીવ ભટ્ટ હાલ ૨૦ વર્ષ જૂના નારકોટિક્સ કેસમાં પાલનપુર જેલમાં કેદ છે. 

સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા જામજોધપુરના કેસની વિગત એવી છે કે, લાલ કૃષ્ણ અડવાણીની રથયાત્રા દરમિયાન દેશભરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. જેના વિરોધમાં ૩૦ ઓક્ટોબર ૧૯૯૦ના રોજ ‘ભારત બંધ’નું એલાન અપાયું હતું. આ સમયે ટોળાને કાબુમાં લેવા પોલીસે ભારે લાઠીચાર્જ કર્યો હતો તેમ જ એસએસપી ભટ્ટના નેતૃત્વમાં ૧૩૩ આરોપીઓની ધરપકડ કરી હતી. અટકાયત દરમિયાન પોલીસ અત્યાચારનો ભોગ બનેલા પ્રભુદાસભાઇને મુક્તિ બાદ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પ્રભુદાસભાઇના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પોલીસના અમાનુષી મારથી તેમનું મૃત્યુ થયાનું ખુલ્યું હતું.

૨૯ વર્ષે કેસમાં ચુકાદો

મૃતક પ્રભુદાસભાઈના ભાઇ અમૃતભાઈ વૈશ્નાણીએ સંજીવ ભટ્ટ, પીએસઆઈ શૈલેષ પંડયા, પીએસઆઈ દીપક શાહ, પોલીસ કર્મચારીઓ પ્રવિણસિંહ ઝાલા, પ્રવિણસિંહ જાડેજા, અનોપસિંહ જેઠવા, કેશુભા જાડેજા સામે કસ્ટોડિયલ ડેથ અને કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરીને ૫૦૦૦ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. જેની સામે આરોપી પોલીસ અધિકારી અને કર્મચારીઓએ ફરજના ભાગરૂપે કામગીરી કર્યાની રિવિઝન અરજી કોર્ટમાં કરી હતી. આમ ૨૨ વર્ષ સુધી કેસ બાબતે કાનૂની કાર્યવાહી ચાલતી રહી હતી. આ પછી વર્ષ ર૦૧રમાં સરકારે કોર્ટમાં કરેલી રિવિઝન પાછી ખેંચતા જામનગરની કોર્ટમાં સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓ સામે કેસ ચાલુ થયો હતો. સરકાર દ્વારા આ કેસમાં ૩૨ સાક્ષીઓ તપાસીને ૧૦૦૦થી વધુ દસ્તાવેજો રજૂ કરાયા હતા.

આરોપી સંજીવ ભટ્ટે પોતાના બચાવમાં સાક્ષીઓનું લિસ્ટ રજૂ કરીને કેસ લંબાવવાનો કથિત પ્રયાસ કર્યો હતો અને મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયા હતા. બીજી તરફ ફરિયાદી અમૃતભાઇ વૈશ્નાણીએ પણ ઝડપથી કેસ ચલાવીને ન્યાય આપવા માટે દાદ માંગી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ૨૦ જૂન ૨૦૧૯ સુધીમાં કેસ પૂરો કરવા માટે જામનગરની કોર્ટને નિર્દેશો આપીને તમામ રીટનો નિકાલ કર્યો હતો.
 
કોર્ટે આજીવન કેદની સજા સંભળાવતા જ કોર્ટ રૂમમાં હાજર સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટ રડી પડયા હતા. ચુકાદાની જાહેરાત સમયે તેમના પરિવારમાંથી માત્ર પત્ની જ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સંજીવ ભટ્ટ નાર્કોટિકસનો ખોટો કેસ કરવા બદલ હાલ પાલનપુરની જેલમાં છે.
ચુકાદા સમયે કોર્ટમાં અમૃતભાઈ અને સગાસંબંધીઓ હાજર હતા તો જામજોધપુરના ૪૦ જેટલા નાગરિકો પણ કોર્ટ સંકુલમાં ઉપસ્થિત રહ્યા હતા. મૃતક પ્રભુદાસભાઇના માતા તેમજ પરિવારજનોએ લાંબી કાનુની લડત પછી ન્યાય મળ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી.

કઇ રીતે કેસ લંબાવ્યો?

આરોપી હોવા છતાં છ વર્ષ સુધી સંજીવ ભટ્ટ કોર્ટમાં હાજર રહ્યા નહોતા. આ પછી ૧૦ - ૧૨ વર્ષે એવો વાંધો ઉઠાવ્યો હતો કે સરકારે કલમ ૧૯૭ની મંજૂરી આપી નથી. આ સમયે હાઈ કોર્ટે માનવ અધિકારનો ભંગ થતો હોવાનું નોંધીને અરજી ફગાવી દીધી હતી. બાદમાં સંજીવ ભટ્ટે સાક્ષીઓનું લિસ્ટ આપીને તેને તપાસવાનો મુદ્દો ઉભો ઉઠાવ્યો હતો. આમ આરોપી પોલીસ અધિકારીએ પોતાની સામેની ટ્રાયલ લંબાવવા સમયાંતરે કાનૂની મુદ્દા ઉપસ્થિત કર્યા હતા.

સુપ્રીમ કોર્ટની પણ લાલ આંખ

૨૯ વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથના કેસના ચુકાદામાં વિલંબ થાય તે માટે વિવિધ કાનુની મુદ્દા ઊભા કરવાની વૃત્તિની ગંભીર નોંધ લઇ સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટને આ કેસની સુનાવણીમાં કોઇ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર ૨૦મી જૂન ૨૦૧૯ સુધી કેસ પુરો કરવા આદેશ આપ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, આ કેસ ખૂબ જૂનો છે જેમાં અગાઉ પિટિશનો કરીને ટ્રાયલ લંબાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આરોપી પોલીસ અધિકારી હોવાથી જુદા-જુદા તબક્કે અલગ મુદ્દા ઉપસ્થિત કરીને ટ્રાયલ લંબાવી રહ્યા છે. આ ટ્રાયલ અતિ ગંભીર અને માનવ અધિકારના મુદ્દા સાથે સંકળાયેલ છે ત્યારે આ કેસમાં હવે વધુ વિલંબ માટે આરોપી પોલીસ અધિકારી સહિત કોઇ પણ પક્ષ દ્વારા કોઈ અરજી કરવામાં આવે તો તે ધ્યાને નહીં લેવા પણ સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો.

પ્રથમ ગુજરાતી આઇપીએસ, હંમેશા વિવાદમાં

આઇઆઇટી - મુંબઇમાંથી એમ.ટેક. થયેલા સંજીવ ભટ્ટ યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ પોલીસ સર્વીસમાં જોડાયા હતા. પ્રથમ ગુજરાતી આઇપીએસ અધિકારી બનવાનું બહુમાન ધરાવતા સંજીવ ભટ્ટ એક યા બીજા કારણસર હંમેશા ચર્ચામાં રહ્યા છે. ભટ્ટ સ્ટેટ, બોર્ડર અને વીવીઆઇપી જેવી ઇન્ટરનલ સિકયુરિટીમાં લાંબા સમયગાળા સુધી ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. સંજીવ ભટ્ટ ૨૦૦૩માં સાબરમતી જેલમાં ફરજ બજાવતા હતા ત્યારે કેદીઓનું એસોસિએશન બનાવી દીધું હતું. આ વાતની જાણ સરકારને થતાં તાકીદે તેની બદલી કરી નાખી હતી. આ સમયે જેલના કેદીઓ ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા હતા અને છ ખતરનાક કેદીએ તેમના હાથના કાંડા ઉપર બ્લેડો મારી દીધી હતી. જોકે સુરક્ષાના કારણોસર સંજીવ ભટ્ટની બદલી અટકાવાઇ નહોતી. ૨૦૧૧માં રાજય સરકારે તેમને ફરજ પર ગેરહાજર રહેવા બદલ તેમજ સરકારી વાહનોનો દુરુપયોગ કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતા. એક સમયે રાજ્ય સરકારની ગુડ બુકમાં રહેલા સંજીવ ભટ્ટે ગોધરાકાંડ મામલે તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર સામે આક્ષેપો કર્યા હતા. એક વખત તેમણે સુરક્ષા કર્મીને લાફો ઝીંકી દીધો હતો અને પોલીસ ફરિયાદ પણ થઇ હતી. એક અન્ય વિવાદમાં અમદાવાદમાં મેમનગર સ્થિત પોતાના બંગલોમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું, જેનો સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો હતો. મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. બાદમાં કોર્ટે આ બાંધકામ હટાવવા આદેશ આપ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ૨૦૧૫માં તેમને પોલીસ સર્વીસમાંથી ફરજમુકત કર્યા હતા.

કસ્ટોડિયલ ડેથ કેસની સાથે સાથે

• ૩૦ ઓક્ટોબર ૧૯૯૦ના ‘ભારત બંધ’ના એલાન વેળા ગામના ૧૦૦થી વધુ લોકોને અટકાયતમાં લઇને તેમની સામે ત્રાસવાદ વિરોધી ધારા ‘ટાડા’ની વિવિધ કલમો હેઠળ કેસ કરાયા હતા.
• પોલીસ દમનના વિરોધમાં ગામ સતત પાંચ દિવસ બંધ રહ્યું હતું. આ પછી કેસ પરત ખેંચવામાં આવ્યા હતા.
• છેલ્લા ર૮ વર્ષથી જામજોધપુર ગામ ૩૦ ઓક્ટોબરના રોજ બંધ પાડે છે.
• પ્રભુદાસભાઇ વૈશ્નાણીનું ૧૮ નવેમ્બર ૧૯૯૦ના રોજ રાજકોટમાં મૃત્યુ નીપજ્યું.
• લોકોના આક્રોશને ધ્યાને લઇને સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપાઇ.
• ર૦૦૧માં સેશન્સ કોર્ટમાં કેસ દાખલ થયો.
• સરકારી કર્મચારીઓ સામે કેસ ન ચલાવવા અગાઉના વર્ષોમાં સરકારે રિવિઝન કરી હતી,
જે ર૦૧રમાં પાછી ખેંચાઈ. આ પછી કેસમાં નિયમિત સુનાવણી શરૂ થઇ.
• ગામના ૩૦૦ લોકો સાક્ષી બન્યા. અદાલતમાં ૩ર સાક્ષીઓ ચકાસવામાં આવ્યા.
• કોર્ટ સાક્ષી તરીકે કેસની તપાસ કરી ચુકેલા ત્રણ આઇપીએસ અધિકારીઓની જુબાની લેવાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter