જામનગરઃ ક્રુના ૬ સભ્યો સહિત કુલ ૨૯ લોકો સાથે ચેન્નઇથી પોર્ટબ્લેર માટે રવાના થયેલું ભારતીય વાયુસેનાનું વિમાન AN-32 બંગાળની ખાડીમાં લાપતા થયું હોવાની ઘટના હાલમાં બની છે. તેવી જ રીતે આ પહેલાં પણ વિમાન અદૃશ્ય થવાના કિસ્સા છે. દરિયા પર ગુમ થયેલા વિમાનો પરત મળવાની આશા તો છોડી દેવી પડે છે. કેમ કે વિશાળ દરિયામાં વિમાન ક્યાં તૂટી પડ્યું એનો અંદાજ લગાવી શકાતો નથી.
ચેન્નઈથી પોર્ટ બ્લેર જઈ રહેલા વિમાનના રસ્તામાં કોઈ જમીની પ્રદેશ હતો નહીં એટલે જ શોધકર્તાઓને આ વિમાનની શોધ મૂંઝવી રહી. જામનગરથી ૧૯૮૬ની ૨૫મી માર્ચે રવાના થયેલું ઈન્ડિયન એરફોર્સનું વિમાન આજે ૩૦ વર્ષ પછી પણ ગુમ જ છે. એ વિમાન પણ અત્યારે ગુમ થયું એ પ્રકારનું એન્તનોવ-એન-૩૨ જ હતું. એ વિમાન ઉપડ્યા પછી જામનગરથી ૪૫૦ કિ.મી. દૂર હતું ત્યારે ગુમ થઈ ગયું હતું. તેમાં સાત મુસાફરો હતા.
એ વિમાન મસ્કતથી આવી રહ્યું હતું અને દરિયા પર અચાનક ગુમ થયું હતું. આજ સુધીમાં તેનો કોઈ ભંગાર મળ્યો નથી. એ વિમાન મૂળ તો યુક્રેનના કીવથી આવી રહ્યું હતું. એ વિમાન સાથે બીજા બે વિમાનો પણ હતાં. પરંતુ ગુમ થયેલું વિમાન એટલી ઝડપથી અને રહસ્યમય રીતે ખોવાઈ ગયું કે સાથે ઊડી રહેલા વિમાનોને કોઈ બચાવ કે ટેકનિકલ ખામીનો મેસેજ પણ આપી શક્યું નહોતું.