જામનગર બાલા હનુમાન મંદિરે અખંડ રામધૂનને છઠ્ઠી મેએ વીસ હજાર દિવસ પૂર્ણ થશે

Wednesday 01st May 2019 07:00 EDT
 
 

જામનગરઃ જામનગરના વિખ્યાત બાલા હનુમાન મંદિરે ચાલતી અખંડ રામધૂનને ૬ઠ્ઠી મેએ ૨૦૦૦૦ દિવસ પૂરા થશે. આ પ્રસંગે ૧૭મી એપ્રિલથી વિશેષ રામધૂન શરૂ કરાઈ છે. જામનગરનું શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર નિષ્ઠ ચૈતન્યાવતાર શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની અવિરત ભક્તિની યાદી અપાવે છે. પ્રસિદ્ધ રણમલ તળાવની પાળે ઘટાદાર વડની શીતળ છાયામાં બિહારના છતૌનીના નિર્મોહી સંત પ્રેમ ભિક્ષુજીએ રામનામની આહલેક જગાવી હતી. આજકાલ કરતાં કરતાં છઠ્ઠી મે, ૨૦૧૯ના દિવસે આ વાતને ર૦,૦૦૦ (વીસ હજાર) દિવસ પૂરા થશે. આ દિવસો દરમિયાન અહીં ‘શ્રી રામ જય રામ જય જય રામ’નો મંત્ર અવિરત ગૂંજતો રહે છે.

સંકીર્તન મહાયજ્ઞો

મહારાજે સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સંકીર્તન મહાયજ્ઞો કર્યાં જેના પ્રતાપે આજે જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને મહુવા તથા બિહારમાં મુઝફ્ફપુરમાં અખંડ નામ સંકીર્તન ચાલે છે. અન્ય અનેક કેન્દ્રોમાં નિયત સમયાવિધ માટેની ધૂન ચાલે છે. મહારાજ શાસ્ત્રોના જાણકાર હતાં, પરંતુ પ્રવચનો કરવા કરતા ભાવપૂર્વક રામનામનું સંકીર્તન કરવું તેમને પ્રિય હતું. જામનગરને પોતાની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવી તેમણે સમગ્ર ગુજરાતમાં રામનામનો પ્રચાર કર્યો. તેમના વ્યક્તિત્વની આભા એવી હતી કે લોકો તેમનાથી પ્રભાવિત થઈ રામધૂનમાં જોડાતા અને ક્યારેક તો ભાવથી નાચવા લાગતા.

ગિનિસ બુકમાં સ્થાન

આ મંદિરની વિશિષ્ટ પ્રવૃત્તિઓને લીધે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે વખત આ મંદિરનું નામ નોંધાયું છે. જામનગર શહેરમાં રિલાયન્સ અને એસ્સારની વિશાળ રિફાઈનરીઓ છે. આને લીધે દેશ-વિદેશના અસંખ્ય યાત્રાળુઓ જામનગર આવે છે અને આ વિશ્વ પ્રસિદ્ધ મંદિરની મુલાકાત લે છે. આ ઉપરાંત પણ અનેક વિદેશી સહેલાણીઓ મંદિરની મુલાકાતે પધારે છે.

પ્રેમરત્ન પુરસ્કાર

આ મહાયજ્ઞમાં શહેરના અસંખ્ય ભાવુક કલાકારોએ પોતાનો મધૂર કંઠ વહાવી ભક્તિની ગંગા પ્રગટાવી છે. તેથી અનેક સંત, વિશિષ્ટ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આ કલાકારોને ‘પ્રેમરત્ન પુરસ્કાર’ અર્પણ કરાશે. અત્યારે ૩૦૦ ઉપરાંત કલાકારો અહીં કાર્યરત છે. છઠ્ઠી મેએ સાયં આરતીમાં સૌ નગરજનો પોતાની આરતી લાવી આ દિવ્ય મહાઆરતીમાં સામેલ થઈ શકશે. આ દિવસો દરમિયાન જ મહારાજની ૪૯મી પુણ્યતિથિ હોવાથી તે અવસરની પણ ભવ્ય ઉજવણી કરાશે.

મંત્રોનો અંદાજ

આટલા સમયમાં અહીં કેટલા મંત્રો ગવાયા હશે તેનો અંદાજ જાણકારોએ કાઢ્યો છે. સામાન્ય રીતે એક મિનિટમાં ર૦થી રપ મંત્રોનું ગાન થાય છે. આપણે ઓછામાં ઓછા ર૦ મંત્રો ગણીએ તો એક કલાકમાં ૬૦૦ મંત્રો ગવાય. એક દિવસમાં ર૪ X૬૦૦ એટલે ૧૪,૪૦૦ મંત્રો થાય. આ હિસાબે વીસ હજાર દિવસમાં ર૮,૮૦,૦૦,૦૦૦ મંત્રો ગવાયા હોઈ શકે! કહેવાય છે કે શાસ્ત્રો અનુસાર કોઈપણ વ્યક્તિ ૧૩ કરોડ મંત્ર જાપ કરે તો તેને મંત્ર સિદ્ધ પ્રાપ્ત થાય છે. તે હિસાબે અહીં હજારોની સંખ્યામાં લોકોને આ લાભ પ્રાપ્ત થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter