જામનગર વકીલ હત્યા કેસઃ ૬૦ લાખ રૂપિયાની સોપારી અપાઇ હતી

Thursday 01st April 2021 05:26 EDT
 
 

રાજકોટ: જામનગરના ચકચારી વકીલ કિરીટ જોશી હત્યા પ્રકરણના ત્રણેય આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડ પર લઇને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં આરોપીઓએ કિરીટ જોશીની હત્યા માટે મુખ્ય આરોપી જયેશ પટેલે ૬૦ લાખ રૂપિયાની સોપારી આપી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. આ સાથે જ પોલીસની એક ટીમ એક આરોપીને લઈને નેપાળ બોર્ડર તરફ તપાસ માટે લઇ રવાના થઇ છે. ત્રણ વર્ષ પૂર્વે જામનગરમાં વરિષ્ઠ વકીલ કિરીટ જોશીની હત્યા કરાઇ હતી. હાલ લંડનમાં કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહેલા જમીન માફિયા જયેશ પટેલે અમદાવાદના હાર્દિક ઠક્કર, દિલીપ ઠક્કર અને જયંત ગઢવીને વકીલ જોશીની હત્યા માટે સોપારી આપીને ૨૦ લાખ રૂપિયા એડવાન્સ ચૂકવી દીધા હોવાનું તપાસમાં ખૂલ્યું છે.
ફરાર ત્રણેય હત્યારા પકડાઈ જતા આ વિગતો સામે આવી છે. કોલકતાથી પકડાયેલા આરોપીઓને જામનગર પોલીસ પરત લઇ આવી છે. બાર દિવસના રિમાન્ડ પર રહેલા ત્રણેય આરોપી પૈકી હાર્દિક ઠક્કરને સાથે રાખી પોલીસની એક ટુકડીએ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યો સુધી તપાસ લંબાવી છે. જયારે એક ટુકડીએ અન્ય બે આરોપીઓની અલગ અલગ તબ્બકે પૂછપરછ કરી રહી છે.
આ ઘટના પૂર્વે જામનગરના એક શખસે વકીલ જોષીની રેકી કરી હોવાથી પોલીસ આ શખસ સુધી પહોચવા માટે ગુપ્ત રાહે અમુક તપાસ કરી રહી છે. હત્યા પ્રકરણમાં આરોપીઓ અને જયેશ પટેલ વચ્ચે વ્હોટ્સએપ કોલિંગથી હત્યા પૂર્વે અને હત્યા બાદ સંપર્કો થયા હોવાનું સામે આવ્યું છે. હત્યા પૂર્વે જ જયેશ પટેલે ત્રણેય આરોપીઓને વીસ લાખ ચૂકવી દીધા હતા અને હત્યા બાદ દર મહિને ત્રણથી પાંચ લાખની રકમ પૂરી
પાડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter