જામનગરઃ વતનમાં કિંમતી મિલ્કત ધરાવતા વિદેશવાસીઓ માટે ચેતવણી સમાન એક કિસ્સો જામનગરમાં નોંધાયો છે. જામનગરમાં પાર્ક કોલોની વિસ્તારમાં આવેલું લેસ્ટર (યુકે) નિવાસી એક વૃધ્ધનું રૂ. નવ કરોડની કિંમતનું મકાન બળજબરીપૂર્વક પચાવી પાડવાનું કાવતરું રચી તેમનું અપહરણ કરી, ધાક ધમકી આપી વેચાણ દસ્તાવેજમાં સહી કરાવી લીધાની ચાર શખસ સામે નોંધાઇ છે. ફરિયાદ પુર્વયોજીત કારસો રચવા અંગે એક એડવોકેટ તથા ચકચારી રંજન હત્યાકાંડના નરરાક્ષસ ભવાન સોઢાના પુત્ર સહિત ચાર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે.
આ કેસની વિગત મુજબ જામનગરમાં પાર્ક કોલોનીમાં જે.એસ.બિલ્ડીંગના નામે અંદાજે ૩૬૦૦ ફૂટના બાંધકામ સાથેનું એક મકાન છે. જે મકાનની માલિકી નટવરલાલ જેરામભાઈ ભુંડિયા (ઉ.વ.૭૦)નું છે. નટવરભાઇ અત્યારે લેસ્ટર (યુકેમાં) નિવૃત જીવન ગાળે છે. તેઓ વર્ષ ૧૯૮પમાં પોતાના પરીવાર સાથે યુકેમાં સ્થાયી થયા હતા અને તેમણે પોતાનું આ મકાન કે જેની અત્યારની બજાર કિંમત અંદાજે રૂ. નવ કરોડ તે જામનગર એડવોકેટ અતુલભાઈ મહેતાને સાચવવા આપ્યું હતું. પરંતુ પાછળથી અતુલ મહેતાએ તેમનું મકાન જયંતભાઈ ભટ્ટને ભાડેથી આપ્યું હતું. નટવરલાલે વતન આવીને તેમનું મકાન ખાલી કરાવવા માટે અતુલભાઇને જાણ કરી હતી. જેથી અતુલભાઇએ કહ્યું હતું કે, મકાન ખાલી કરાવવા માટે ખર્ચ કરવો પડશે. અને મકાન ખાલી કરાવવા માટે અતુલભાઇએ તેમના મિત્રો અભય દવે અને રંજન ત્રિપલ મર્ડર કેસમાં આરોપી પંકજ ભવાન સોઢાની મદદ લેવાની વાત કરી હતી.
પંકજ સોઢા એ આ માટે બનાવટી કરારો તૈયાર કરાવી લીધા હતાં અને વૃધ્ધ પાસેથી સમયાંતર રૂ. નવ લાખ પડાવ્યા હતા. નટવરલાલને છરીની અણીએ ધાકધમકી આપીને તેમનું રીક્ષામાં અપહરણ કરીને સબ રજીસ્ટ્રાર કચેરીમાં લઈ જઈને વિક્રમસિંહ દિલીપસિંહ જાડેજાના નામે વેચાણ કરી દીધું હતું. ફરીયાદી લેસ્ટર પરત ફરી ગયા હતાં, પરંતુ તેઓ તાજેતરમાં જામનગર આવતા પોતાના મકાનનો બારોબાર સોદો થયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. વૃધ્ધને તેમના સામાન સાથે અમદાવાદ મોકલાયા હતા અને ધાકધમકી આપીને મકાન ભૂલી જવા કહ્યું હતું. નટવરલાલ યુકે પરત જઇને જિલ્લા પોલીસ વડાને ઇ-મેઇલથી ફરિયાદ કરી હતી. તેઓ ફરીથી ૧૨ ઓગસ્ટે પાછા જામનગર આવ્યા છે અને પોલીસ વડાને રૂબરૂ મળીને તેમનું કિંમતી મકાન પચાવી પાડવાનું કારતરું રચનાર અતુલ મહેતા, પંકજ ભવાન સોઢા, વિક્રમસિંહ દિલીપસિંહ જાડેજા તથા અભય બાલશંકર દવે સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.