જામનગરમાં રિલાયન્સના 3000 એકરમાં વન્ય પ્રાણી વિહરશે

રિલાયન્સ ફાઉન્ડેશને પ્રાણી સંરક્ષણ માટે ‘વનતારા’ કાર્યક્રમ શરૂ કર્યો

Wednesday 28th February 2024 05:49 EST
 
 

જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને સોમવારે ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની પહેલ – ‘વનતારા’ કાર્યક્રમની જાહેરાત કરી છે.
રિલાયન્સના જામનગર રિફાઈનરી સંકુલમાં આવેલા ગ્રીન બેલ્ટમાં 3000 એકરમાં ફેલાયેલા, ‘વનતારા’નો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તાઓમાં સ્થાન મેળવવાનો છે. પ્રાણીસંભાળ અને કલ્યાણના અગ્રણી નિષ્ણાતો સાથે કામ કરીને, વનતારાએ બચાવ કરેલા પ્રાણીઓ સુખેથી રહી શકે તે માટે 3000-એકરની વિશાળ જગ્યાને જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી, સમૃદ્ધ, હરીયાળા અને લીલાછમ રહેઠાણમાં રૂપાંતરિત કરી છે.
‘વનતારા’ પહેલ, આરઆઈએલ અને રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડના ડાયરેક્ટર અનંત અંબાણીના નેતૃત્વ હેઠળ પરિકલ્પિત થઈ છે અને અસ્તિત્વમાં આવી છે. વનતારા અત્યાધુનિક આરોગ્યસંભાળ, હોસ્પિટલો, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્રોના સમાવેશ સહિત પોતાની શ્રેણીમાં શ્રેષ્ઠતમ પ્રાણી સંરક્ષણ અને સંભાળ પ્રથાઓ નિર્ધારીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ભારતના અને વિશ્વના કેટલાક ટોચના પ્રાણીશાસ્ત્રી અને તબીબી નિષ્ણાતો આ મિશનમાં જોડાયા છે. તેના કાર્યક્રમોમાં, ‘વનતારા’ અદ્યતન સંશોધન અને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ જેમ કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) અને વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ ફોર નેચર (WWF) સાથે અદ્યતન સંશોધન અને સહયોગને એકીકૃત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, પ્રોગ્રામમાં 200થી વધુ હાથીઓ અને હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપો અને પક્ષીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને બચાવ્યા છે. આ પહેલમાં ગેંડા, ચિત્તા અને મગર સહિતની મુખ્ય પ્રજાતિઓના પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવી છે. આ પ્રસંગે અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, ‘ખૂબ જ નાની ઉંમરે મારા માટે પેશન તરીકે જે કાર્ય શરૂ થયું હતું તે હવે ‘વનતારા’ અને અમારી તેજસ્વી અને પ્રતિબદ્ધ ટીમ સાથે એક મિશન બની ગયું છે. અમે ભારતીય મૂળની ગંભીર રીતે લુપ્તપ્રાય પ્રજાતિઓના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે મહત્વપૂર્ણ રહેઠાણોને પુનઃસ્થાપિત કરવા અને પ્રજાતિઓ માટેના તાત્કાલિક જોખમો દૂર કરવા અને ‘વનતારા’ને અગ્રણી સંરક્ષણ કાર્યક્રમ તરીકે સ્થાપિત કરવા માંગીએ છીએ. અમને આનંદ છે કે અમારા પ્રયાસોને ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે.
તેમણે જણાવ્યું હતું કે, ‘અમે આશા રાખીએ છીએ કે વનતારા વૈશ્વિક સ્તરે આશાનું કિરણ બની રહે અને દર્શાવે કે કેવી રીતે ઉદ્દાત વિચારો ધરાવતી સંસ્થા વૈશ્વિક જૈવવિવિધતા સંરક્ષણ પહેલને મદદ કરી શકે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter