જામનગરઃ ભાઇ-બહેનના સ્નેહના પ્રતીક સમાન રક્ષાબંધનની દેશવિદેશમાં ભારતીયો દ્વારા ઉજવણી થઇ હતી. આ ઉજવણી જામનગરમાં વિશેષ થઇ હતી. કારણ કે અહીંના ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ત્રણ કલાકના સમયમાં ૫૦ ફૂટ લાંબી અને ૫૦ ફૂટ પહોળી એવી આકર્ષક રાખડી તૈયાર કરી હતી.
આ જમ્બો રાખડી તૈયાર કર્યા બાદ શાળા સંચાલકોએ વિશ્વની સૌથી મોટી રાખડી બનાવી હોવાનો દાવો કરીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવી છે. છોટી કાશી તરીકે જાણીતા જામનગરમાં રક્ષાબંધનના આગલા દિવસે સંસ્કાર ગ્રૂપ ઓફ સ્કૂલના સંચાલકો ધનરાજભાઇ, હરિશભાઇના સહકારથી શાળાના ૬૦ શિક્ષકો અને ૭૦૦ વિદ્યાર્થીઓએ સવારે ૭.૩૦ થી ૧૦.૩૦ સુધીના ત્રણ કલાકમાં ૬૨૫ ચાર્ટ પેપર ઉપર વિશાળકાય રાખડી બનાવી હતી. આ રાખડી બનાવવા માટે ૧૮૦ કિલો લાકડાનો છોલ, ૧૨૫૦ ફૂટ બિલ્ડીંગની પટ્ટી પર ૧૩૦૦ ફૂટનું કાપડ મઢી તેના પર ૨ બાય ૨ ફુટનાં ૬૨૫ ચાર્ટ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત રાખડીની ફરતે ૧૫૦૦ ફૂટનો ગોલ્ડન કલરનો જરીનો પટ્ટો અને ૧૮૦ ફૂટની સીટમાંથી અને ફલાવરના ડિઝાઇન કટીંગ કરી ચોટાડવામાં આવ્યા હતા.