જૂનાગઢના યુવાનનો વિક્રમઃ ૫૫.૩૦ મિનિટમાં ગિરનાર સ્પર્ધા પૂર્ણ કરી

બહેનોના વિભાગમાં ઉત્તર પ્રદેશની તામસી સિંહ વિજેતાઃ ૧૨૫ બહેનો સહિત કુલ ૩૬૦ સ્પર્ધકો

Wednesday 23rd February 2022 08:54 EST
 
 

જૂનાગઢ: જૂનાગઢના ગિરનાર પર્વત પર રવિવારે સવારે ૧૪મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જૂનાગઢનાં લાલા પરમારે માત્ર ૫૫.૩૦ મિનિટમાં સાડા પાંચ હજાર પગથીયા ચડી - ઉતરીને નવો વિક્રમ બનાવ્યો છે. માત્ર એક મિનિટથી અગાઉનો રેકોર્ડ તૂટયો હતો. જ્યારે સિનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશની તામસી સિંહે ૩૨.૧૫ મિનિટમાં ૨૨૦૦ પગથીયા ચડી-ઉતરી નવો રેકોર્ડ બનાવ્યો હતો. જૂનિયર ભાઈઓમાં ગુજરાતના દિપક ડાભી અને જૂનિયર બહેનોમાં હરિયાણા રીતુરાજ સિંધુએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
રમત ગમત અને યુવ સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રવિવારે જૂનાગઢનાં ગિરનાર પર્વત ખાતે ૧૪મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં ભાગ લેવા ૧૧ રાજ્યના ૪૪૯ સ્પર્ધકોની અરજી આવી હતી. જોકે સ્પર્ધામાં ૧૬૦ સીનિયર ભાઈઓ, ૭૫ જૂનિયર ભાઈઓ, ૬૫ સિનિયર બહેનો અને ૬૦ જૂનિયર બહેનો મળી કુલ ૩૬૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
સવારે ૬-૪૫ વાગ્યે પશુપાલન મંત્રી દેવાભાઈ માલમ, મેયર ગીતાબેન પરમાર સહિતના અગ્રણીઓના હસ્તે પ્રથમ ભાઈઓની ટુકડીને અને બાદમાં બહેનોની ટુકડીને ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભાઈઓ માટે અંબાજી સુધીના સાડા પાંચ હજાર અને બહેનો માટે માળી પરબ સુધીના ૨૨૦૦ પગથીયાં સુધીની આ સ્પર્ધા યોજાઈ હતી.
સ્પર્ધામાં જૂનાગઢનાં લાલા પરમાર (૨૦)એ માત્ર ૫૫.૩૦ મિનિટમાં સાડાપાંચ હજાર પગથીયા ચડી ઉતરી અગાઉના રેકોર્ડને તોડી નવો રેકોર્ડ બનાવ્યો હતો. અગાઉ ૫૫.૩૧ મિનિટનો હતો. જ્યારે સીનીયર બહેનોમાં ઉત્તર પ્રદેશની તામસી સિંહ (૧૮)એ ૩૨.૧૫ મીનિટમાં માળી પરબ સુધીના ૨૨ પગથીયા ચડી ઉતરી નવો રેકોર્ડ બનાવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ખેડૂત માતાપિતાની પુત્રીએ અગાઉ ગિરનાર સ્પર્ધામાં જૂનિયર બહેનોમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે જૂનિયર ભાઈઓમાં ગુજરાતના દિપક ડાભીએ એક કલાક અને ૧૯ સેકન્ડમાં સાડા પાંચ હજાર પગથીયા ચડી ઉતરી પ્રથમ ક્રમ મેળવ્યો હતો. તો જૂનિયર બહેનોમાં હરિયાણાની રીતુરાજ સિંધુએ ૩૮.૪૭ મિનિટમાં ૨૨૦૦ પગથીયા ચડી ઉતરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
ચારેય વિભાગના પ્રથમ ક્રમે આવનાર સ્પર્ધકને રાજ્ય સરકાર તરફથી ૫૦ હજાર અને મનપા દ્વારા ૧૦ હજાર, દ્વિતીયને ૨૫ હજાર, તૃતીયને ૧૫ હજારથી માંડીને દસમા ક્રમ સુધીની વિજેતાને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter