જૂનાગઢમાં કેસરિયો ગઢઃ ભાજપે ૬૦માંથી ૫૪ સીટ પર જીત મેળવી

Wednesday 31st July 2019 07:20 EDT
 
 

ગાંધીનગરઃ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં તાજેતરમાં યોજાયેલી મતગણતરીને અંતે ૬૦માંથી ૫૪ બેઠકો ઉપર ભાજપના જ્વલંત વિજય મળ્યો હતો. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શરૂઆતથી જ ભાજપની સત્તા રહી છે. પાલિકા-પંચાયતોની પેટાચૂંટણીમાં મોટાભાગની બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. ભાજપે જૂનાગઢમાં ૧૫ વર્ષનો રેકોર્ડ તોડતા રાજ્યભરમાં ભાજપના કાર્યલાયો ઉપર ઉજવણી થઈ હતી. વિધાનસભામાં પણ ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરીને જીતનો જશ્ન મનાવ્યો હતો. જૂનાગઢ મહાપાલિકામાં કોંગ્રેસને સમ ખાવા પૂરતી માત્ર એક જ બેઠક મળી છે જ્યારે ચાર બેઠકો ઉપર એનસીપીના ઉમેદવારો જીત્યા છે. ૬૦ બેઠકો ધરાવતા જૂનાગઢ મહાનગરપાલિકામાં ૫૯ બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીપંચે એક બેઠક ઉપર ચૂંટણી યોજી નથી. અલબત્ત, ચાર બેઠકો પહેલાથી જ ભાજપની તરફેણમાં બિનહરીફ જાહેર થઈ હતી. જૂનાગઢની સાથે જ ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનમાં એક બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.
પાટણના સાંતલપુર, નવસારીના ખેરગામ, જામનગરના ચેલા, નડિયાદના પીપળાતા અને જૂનાગઢના વડાલ એમ પાંચ જિલ્લા પંચાયતોમાં પાંચ બેઠકો ઉપર યોજાયેલી પેટાચૂંટણીઓમાં પણ ભાજપનો જ્વલંત વિજય થયો છે. જિલ્લા પંચાયતોની સાથે તાલુકા પંચાયતોની ૪૩ બેઠકો ઉપર પણ પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાંથી ૩૮ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. અધિકાંશ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન હોવા છતાંયે પેટાચૂંટણીમાં કોંગ્રેસને માત્ર આઠ જ બેઠકો પ્રાપ્ત થઈ છે. જ્યારે ત્રણ અપક્ષ ઉમેદવારો જીત્યા છે.
ચૂંટણી પંચે જૂનાગઢમાં સામાન્ય ચૂંટણી અને અન્ય પાલિકા – પંચાયતોમા પેટાચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયાનું જણાવતાં માણસા, સાણંદ અને શંખેશ્વર તાલુકા પંચાયતોમાં ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ વિજેતા હોવાનું કહ્યું હતું. સતલાસણા, હારિજ, બાબરા, થાનગઢ તાલુકા પંચાયતની એક એક બેઠકો ખાલી પડયાનું ઉમેર્યું હતું. આ સિવાય રાજુલા તાલુકા પંચાયતમાં ત્રણ અને અબડાસામાં તાલુકા પંચાયતની એક એમ કુલ ચાર બેઠકો ઉપર કોર્ટ કેસ થવાથી ચૂંટણી બંધ રહ્યાનું જાહેર કર્યું હતું.
વડા પ્રધાનની ટ્વિટ
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સળંગ ત્રીજી વખત ભાજપની હેટ્રીકને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વધાવીને સોરઠના મતદારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ગુજરાતીમાં ટ્વિટ કરીને જૂનાગઢવાસીઓને ભાજપની વિકાસની રાજનીતિ ઉપર મહોર માર્યાનું જણાવ્યું હતું.
કોંગ્રેસની ૧૫ બેઠકમાંથી ઘટીને ૧
જૂનાગઢ મહાપાલિકા ૨૦૦૨માં બન્યું ત્યાર બાદ ૨૦૦૪માં થયેલી ચૂંટણીમાં ૫૧ બેઠકમાંથી કોંગ્રેસને ૧૪, ભાજપને ૩૬, ૨૦૦૯માં પણ ૫૧માંથી કોંગ્રેસને ૨૬ અને ભાજપને ૨૧ જ્યારે ૨૦૧૪માં ૬૦માંથી કોંગ્રેસને ૧૫ અને ભાજપને ૪૧ બેઠક મળી હતી. જ્યારે ૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી છે. જે અત્યાર સુધીની કોંગ્રેસની સૌથી ભૂંડી હાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter