જૂનાગઢમાં ૫૦ ફૂટ લાંબી દિવાલ તૂટી પડતાં ચાર જણાનાં મૃત્યુ

Wednesday 03rd August 2016 07:23 EDT
 
 

જૂનાગઢઃ જોષીપરા અન્ડર બ્રિજ પાસેની અન્ડર ગ્રાઉન્ડ ગટરની દિવાલ તૂટી પડતાં ત્યાંથી પસાર થઇ રહેલી સિટી બસ, રિક્ષા તથા બાઇક દિવાલ નીચે દબાઈ ગયા હતા. દિવાલ તૂટી પડતાં ગટર લાઈનને નુક્સાન થયું હતું અને વરસાદ પણ ચાલુ જ હોવાથી વરસાદ તથા ગટરનું પાણી અન્ડર બ્રિજમાં ભરાઇ ગયું હતું. ૩૧મીએ સવારે બનેલી આ ઘટનામાં બે મૃતદેહોને ૩૧મીએ કઢાયા હતા તેમજ પહેલી ઓગસ્ટે વધુ બે મૃતદેહો મળતાં મરણઆંક ચાર થયો હતો. મૃતકોના પરિવારોને મહાનગરપાલિકા તંત્ર દ્વારા એક-રૂ. એક લાખની સહાય તથા ઇજાગ્રસ્તોને રૂ. ૨૫ હજારની સહાયની જાહેરાત થઈ છે.
દિવાલ નીચે દબાયેલા લોકો માટેનું રેસ્કયુ ઓપરેશન ૩૧મીથી જ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બ્રિજમાં ભરાયેલું પાણી બાધારૂપ બન્યું હતું. સિટી બસના ચાલક કાળાભાઇ સીદીભાઇ (ઉ.વ.૩૫) સમય સૂચકતા વાપરી બસમાંથી બહાર નીકળી ગયા હતા અને અન્ય બે-ત્રણ મુસાફરો પણ બહાર નીકળી ગયા હતા અને બસની ઉપર બેસી ગયા હતા. આ સમયે ત્યાંથી પસાર થયેલા ભાવેશ વલ્લભ (ઉ.વ.૩૫), વનરાજ જસાભાઇ (ઉ.વ.૩૦) તથા નિલેષ જેઠાને ઇજા થઇ હતી.
ઘણા સમયથી બ્રિજની સફાઇ ન થતાં તેમાં કચરો ભરાઇ ગયો હતો. કહેવાય છે કે ધોધમાર વરસાદ પડતાં અંડર બ્રિજમાં ધસમસતું પાણી વહેવા લાગ્યું હતું. જે કચરા અને ગટરમાં ઉગી નીકળેલા વૃક્ષોના કારણે નીકળી ન શકતાં અન્ડર બ્રિજ પાસેની અન્ડર ગ્રાઉન્ડ દિવાલ પર પ્રેશર આવ્યું હતું. તેથી ૫૦ ફૂટ જેટલી લાંબી અને સાતથી આઠ ફૂટ ઊંચી દિવાલ તૂટી ગઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter