ભાવનગરઃ ગાંધીજી દ્વારા જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાયું હતું એવા સૌરાષ્ટ્રના લેખક સ્વ. ઝવેરચંદ મેઘાણી પરથી ફિલ્મ બનવાની વાતો ચર્ચામાં છે. મેઘાણીના પૌત્ર પિનાકીભાઇ દ્વારા ફિલ્મ બનાવવાની વાતો છે. આ ફિલ્મના ઝવેરચંદ મેઘાણીના પાત્ર માટે સાડા પાંચ ફૂટ ઊંચા, ભરાવદાર બાંધો ધરાવતા અને ભાવવાહી આંખો ધરાવતા અભિનેતાની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
ફિલ્મનું શૂટિંગ સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, રાણપુર, ચોટીલા, ધંધુકા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બગસરા જેવા ઐતિહાસિક સ્થળોએ થશે એવું પિનાકીભાઈએ જણાવ્યું છે. ફિલ્મની બ્લુ પ્રિન્ટ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા તૈયાર પણ કરાઈ છે. પિનાકી મેઘાણીએ આ ફિલ્મ બનાવવા અંગે કહ્યું હતું કે, નવી પેઢી દાદા ઝવેરચંદ મેઘાણીના જીવન કાર્યથી પરિચિત થાય અને સાથે સાહિત્ય - કલા જગતની સેવા થાય તેવા હેતુથી અમે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. તેનો આશય બિલકુલ બિનવ્યાવસાયિક છે અને તેના માટે પાત્રોની તપાસ ચાલી છે.