રાજકોટઃ લોક સાહિત્યનાં સંશોધન અને સંપાદન અને સાહિત્ય સેવામાં પ્રશંસનીય પ્રદાન બદલ ડો. બળવંત જાનીને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત એવોર્ડ પૂ. મોરારિબાપુના હસ્તે એનાયત થયો છે. રાજકોટમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રેરિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ગુજરાત સરકાર દ્વારા સ્થપાયેલા ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર દ્વારા અપાતા આ એવોર્ડમાં સ્મૃતિચિહન અને રૂ. એક લાખના પુરસ્કારનો સમાવેશ થાય છે. ડો. જાનીએ પુરસ્કારમાં મળેલી આ રકમમાં રૂ. ૧૧,૧૧૧ ઉમેરીને ‘ગ્રીડ્સ’ સંસ્થાને અર્પણ કરવાની જાહેરાત કરતા જ આમંત્રિતોએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા.
સમારંભ દરમિયાન શ્રી મોરારિબાપુએ ડો. જાનીના પ્રદાનને બિરદાવતા કહ્યું હતું કે પ્રોફેસર બળવંત જાનીમાં પાંચ ‘સ’ સમાયેલા છે. જેમાં સંસ્કાર, સાધના, સંયમ, સદાચાર અને શીલને ગણાવી શકાય. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, કુલસચિવ ડો. ધીરેન પંડ્યા, ડો. અંબાદાન રોહડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા વિભાગના વડા તરીકે ફરજ બજાવી ચૂકેલા ડો. જાની હાલ ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ (‘ગ્રીડ્સ’)ના પ્રેસિડેન્ટ છે. અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં વસતાં ભારતીય લેખકો માટે ડો. બળવંત જાનીનું નામ અજાણ્યું નથી. ડાયસ્પોરા લેખકોની સર્જનયાત્રાને પ્રોત્સાહન આપીને ભારતમાં વસતા ગુજરાતી લેખકોની હરોળમાં મૂકવામાં તેમનું પ્રશંસનીય પ્રદાન છે. ગયા વર્ષે તેમને લંડનમાં ગીનાન સ્ટડીઝ ઇન્ટરનેશનલ એસોસિએશન દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત થયો હતો.