તાલાલામાં કેસર કેરીની પાંચ લાખ બોક્સની આવક

Friday 05th June 2015 05:34 EDT
 
 

જૂનાગઢઃ ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી જૂનાગઢ-ગીર પંથકમાં કેસર કેરીના વેચાણને ખેડૂતોએ ઝડપી બનાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી કેરીની આવક તાલાલા યાર્ડમાં ૪૦ હજાર બોક્સથી વધુ રહી છે. યાર્ડમાં હરાજી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં પાંચ લાખ કરતા વધારે બોક્સ આવી ચૂક્યાં છે.

આ વર્ષે કેરીનો પાક ખૂબ ઓછો બતાવાતો હોવા છતાં જંગી પ્રમાણમાં આવક થઇ રહી છે. ખેડૂતોને વાજબી ભાવ મળી રહ્યા છે અને ચોમાસું પણ હવે નજીકમાં છે એટલે ખેડૂતો ગભરાટમાં વેચી રહ્યા છે.

કેસર કેરીનો ભાવ તાલાલા યાર્ડમાં રૂ. ૧૬૦થી ૩૧૦ની રેન્જમાં બોલાય છે. તાલાલાના વેપારીઓ કહે છે, હવે તાલાલા ઉપરાંત વેરાવળ, કોડીનાર, માળિયા, મેંદરડા અને વીસાવદર તાલુકાના ગામડાંઓમાંથી પણ કેરી આવી રહી છે.

તાલાલા યાર્ડમાં વહેલી સવારથી કેરી વેચાણ માટે આવે છે અને માર્કેટ યાર્ડમાં લાઇનો લાગે છે. યાર્ડમાં આવકો સારી રહેવાથી ભાવ થોડાં ઢીલાં છે પરંતુ કેનીંગ પ્લાન્ટો અને ફળના વેપારીઓની ખરીદીને લીધે તમામ માલનું વેચાણ થઇ જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter