દિગમ્બર સાધુ સંતોની રવેડી શાહીસ્નાન પૂજન સાથે શિવરાત્રી મેળો સંપન્ન

Wednesday 17th March 2021 03:29 EDT
 
 

જૂનાગઢ: ભવનાથ તળેટીમાં આમ આદમી વગરના શિવરાત્રી મેળામાં રાત્રે દિગમ્બર સાધુ-સંતોની વાજતેગાજતે રવેડી નીકળી હતી. અંગ કસરતના દાવ વચ્ચે નિર્ધારિત રૂટ ઉપર યાત્રા ફરીને મધરાતે મૃગીકુંડમાં શાહી સ્નાન અને પૂજન, અર્ચન સાથે મેળો સંપન્ન થયો હતો. મેળામાં પ્રજાજનો માટે પાબંદી હોવા છતાં સેંકડો લોકો ઘુસી ગયા હતાં.
કોરોના સંક્રમણને કારણે સરકારે પરંપરા જાળવવા માટે માત્ર સાધુ-સંતો માટે મર્યાદિત શિવરાત્રી મેળાની મંજુરી આપી હતી તેથી આ મેળો નિરસ બન્યો હતો. સાધુ-સંતો સેવકગણની ઉપસ્થિતિમાં પાંચ દિવસીય મેળામાં લોકોની ગેરહાજરી હોવાથી મેળો ફિક્કો અને સુમસામ જેવો બની રહ્યો હતો. મેળા દરમિયાન આશ્રમોમાં સંતવાણીનાં કાર્યક્રમો આકર્ષણ વિહોણા રહ્યા હતા.
ગણ્યાગાંઠયા અન્ન ક્ષેત્રોમાં પણ પાંખી હાજરીને કારણે તળેટીમાં શિવરાત્રી મેળામાં લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળતી હતી. અત્યંત નિરસ માહોલમાં મેળાની પરંપરા જાળવવામાં આવી હતી. ત્રણેય અખાડાઓનાં સંતો મહંતો સહિત એકંદરે મેળામાં પણ સાધુ-સંતોની પાંખી હાજરી વર્તાઈ હતી.




to the free, weekly Gujarat Samachar email newsletter