દીવ બહાર જન્મેલા દીવનાં બાળકો પોર્ટુગલનાં નાગરિકત્વથી વંચિત

Wednesday 04th September 2019 06:21 EDT
 

દીવઃ કેન્દ્રશાસિત પ્રદેશ દીવના બાળકોને તેમના અધિકારોથી વંચિત ન રહેવું પડે તે માટે દીવ ખારવા સમાજના પૂર્વ પટેલે તાજેતરમાં ગૃહ પ્રધાનને રજૂઆત કરી છે.
આ રજૂઆતમાં જણાવ્યું છે કે, ભારત સરકારમાં ૧૯૬૨માં જન્મ અને મરણ નોંધણીનો કાયદો અમલમાં આવ્યો હતો. એ પ્રમાણે જન્મ અને મરણ જે પ્રાંતમાં થાય એ પ્રાંતમાંથી જન્મ કે મરણનો દાખલો મળે છે. જે દાખલો દેશભરમાં માન્ય રહે છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ જ્યારે ૧૯ ડિસેમ્બર ૧૯૬૧ના રોજ પોર્ટુગીઝના શાસનમાંથી મુક્ત થયું ત્યારે ભારત સરકારના કાયદા દીવમાં અમલી બન્યા હતા. એ વખતે પોર્ટુગીઝોએ ૧૯૬૧ પહેલાના દીવમાં જન્મેલા હોય એવા દરેક નાગરિકોને પોર્ટુગલનું નાગરિકત્વ આપ્યું હતું. પોર્ટુગલમાં ધંધા રોજગાર માટે સ્થાયી થવા કાયદાકીય રીતે જોગવાઈ કરેલી છે, પરંતુ ક્યારેક કાયદાકીય ગૂંચવણના કારણે દીવના અમુક બાળકોને આ લાભથી વંચિત રહેવું પડે છે. આવી જ કાયદાકીય ગૂંચવણના કારણે દીવ બહાર જન્મેલા બાળકોને પોર્ટુગલ નાગરિકત્વથી વંચિત પણ રહેવું પડે છે.
દીવમાં સરકારી હોસ્પિટલ છે, પરંતુ ક્યારેક ઓપરેશન અથવા અન્ય કોઈ કારણસર દર્દીઓને બહાર ગુજરાતમાં ખાનગી હોસ્પિટલમાં રિફર કરી દેવાતા હોય છે. જે મુજબ કોઈ પણ કારણસર દીવની સગર્ભા મહિલાએ દીવ બહાર કોઈ અન્ય શહેરમાં પ્રસૂતિ માટે જવું પડે અને ત્યાં બાળકનો જન્મ થાય તો આ બાળકના માતા-પિતા દીવના અને પોર્ટુગલનું નાગરિકત્વ ધરાવતા હોય તો પણ બાળક દીવ બહાર અન્ય કોઈ જગ્યાએ જન્મ લેવાથી આ બાળકને જ્યાં જન્મ હોય ત્યાનો દાખલો મળે છે. જેથી દીવ પ્રશાસન દ્વારા એને જન્મનો દાખલો મળતો નથી.
પોર્ટુગીઝ એમ્બેસીમાં આ બાળકને દીવનું સાબિત કરવા દિલ્હી પોર્ટુગીઝ એમ્બેસીની લાંબી પ્રક્રિયામાંથી પ્રસાર થવું પડે છે. પુરાવા રજૂ કરીને ધક્કા ખાવા પડે છે. આ સમસ્યાનો યોગ્ય ઉકેલ મળે એ માટે ગૃહ પ્રધાનને વિનંતી કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter