દેશના ૧૨ મેન્ગ્રોવ્સ જંગલોમાં જામનગરનો નેશનલ પાર્ક સામેલ

Wednesday 23rd August 2017 10:46 EDT
 
 

અમદાવાદઃ જામનગર નેશનલ પાર્ક હદમાં આવતા કચ્છના અખાતમાં આવેલા મેન્ગ્રોવ્સ જંગલોને દેશના અનોખા મેન્ગ્રોવ્સ જંગલોમાં સ્થાન
મળ્યું છે. મેન્ગ્રોવ્સ સોસાયટી ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં રજૂ કરેલા અહેવાલમાં દેશના ૧૨ જંગલોનું લિસ્ટ તૈયાર કર્યું તેમાં આ જંગલો સામેલ છે. ભારતના દરિયા કાંઠે મેન્ગ્રોવ્સના જંગલો ઉગી નીકળ્યા છે. તેમાંથી ૧૨ જંગલો સૌથી અનોખા છે. આ બારના લિસ્ટમાં પહેલા ક્રમે ગલ્ફ ઓફ કચ્છમાં આવેલા જામનગરના મરિન નેશનલ પાર્કના જંગલો છે.
ધરતીની જૈવિક રચનામાં મેન્ગ્રોવ્સના જંગલોનો બહુ મોટો ફાળો છે. પૃથ્વી પર તેનું અસ્તિત્વ અગિયાર - સાડા અગિયાર કરોડ વર્ષ જૂનું માનવામાં આવે છે. ભારતનો કુલ દરિયાકાંઠો ૭,૫૧૬ કિલોમીટર લાંબો છે. આ કાંઠે આવેલા અખાત, ખૂણા-ખાંચાવાળા વિસ્તારો, છાજલી વગેરમાં મેન્ગ્રોવ્સના જંગલો છે. ભારતના મેન્ગ્રોવ્સ જંગલોનું કુલ ક્ષેત્રફળ ૪,૭૪૦ ચોરસ કિલોમીટર થાય છે, જે વિશ્વના ૩ ટકા જેટલું છે. ગુજરાતમાં કચ્છના અખાતમાં આવેલા મેન્ગ્રોવ્સ જંગલોને ૧૯૮૨માં મરિન નેશનલ પાર્કનો દરજ્જો મળ્યો છે. આ વિસ્તાર ૧૬૩ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. જામનગરથી દૂર દસેક કિલોમીટર દરિયામાં ૪૨ ટાપુમાં મેન્ગ્રોવ્સની સૃષ્ટિ વિકસી છે. મેન્ગ્રોવ્સ સોસાયટી ઓફ ઈન્ડિયાની ગોવામાં બેઠક મળી હતી. તેમાં ભારતના મેન્ગ્રોવ્સ જંગલો અંગે આ રિપોર્ટ રજૂ થયો હતો. આ જંગલોનું મહત્ત્વ સમજવતા રિપોર્ટમાં નોંધાયું છે કે મેન્ગ્રોવ્સના જંગલો અનેક દરિયાઈ જીવોનું રહેઠાણ છે. ભારતમાં જ જોવા મળતાં મેન્ગ્રોવ્સ જંગલોમાં વિવિધ પ્રકારના ૪ હજારથી વધુ પ્રજાતિના સજીવો રહે છે.
જંગલો કાર્બનનું શોષણ કરી ઓક્સીજન ઉત્સર્જીત કરવા જાણીતા છે. એમાં મહત્ત્વની વાત એ છે કે ધરતી પરના ટ્રોપીકલ એટલે કે વિષુવવૃત્તિય જંગલો કરતા દસ ગણો વધારે કાર્બન મેન્ગ્રોવ્સના જંગલો શોષી લે છે. માટે પર્યાવરણ શુદ્ધિકરણમાં તેમનો એ રીતે મોટો ફાળો છે. જામનગરનો મરિન નેશનલ પાર્ક જોકે વધુ તો ત્યાં આવેલા દરિયાઈ જીવો અને પરવાળા માટે જાણીતો છે, પણ કાંઠે ફેલાયેલા મેન્ગ્રોવ્સ પણ એટલા જ મહત્ત્વના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter