દેશનું પ્રથમ અવકાશ મિશન ‘ગગનયાન’ વેરાવળ નજીક ઊતરે તેવી શક્યતા

Wednesday 23rd January 2019 01:28 EST
 

અમદાવાદઃ દેશની સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂરા થવા નિમિત્તે ૨૦૨૨ની સાલમાં ઈસરો દ્વારા દેશનું પ્રથમ માનવીય અવકાશ મિશન ‘ગગનયાન’ લોન્ચ કરવામાં આવશે. બે કે ત્રણ અવકાશયાત્રીઓ અવકાશમાં સાતેક દિવસ રહેશે અને પરત આવે ત્યારે તેમની કેપ્સ્યુલ વેરાવળ નજીકના અરબી સમુદ્રમાં ઉતરે તેવી શક્યતા છે.

ઈસરોએ ચંદ્રયાન મોકલ્યું હતું. હવે ત્યાં રોવર મોકલવા તૈયારીઓ શરૂ કરી છે. મંગળયાન પણ પ્રથમ પ્રયાસમાં મોકલ્યું છે ત્યાં અવકાશમાં માનવ સહિત યાન છોડવા ઈસરોએ તૈયારી શરૂ કરી છે. ૧૫ ઓગસ્ટ આસપાસ માનવ સાથેનું ગગન યાન અવકાશમાં મોકલવામાં આવે તેવી શક્યતા છે. ગગન યાન પાંચથી સાત દિવસ સુધી અવકાશમાં રહેશે. સાત દિવસ બાદ ગગન યાન જ્યારે પૃથ્વી પર પરત ફરે ત્યારે તેને ક્યાં ઉતારવું તેના સંભવિત સ્થળમાં સૌરાષ્ટ્રના વેરાવળ નજીકનો અરબી સમુદ્ર હોય શકે છે તેમ ઈસરોના ડેપ્યુટી ડાયરેક્ટરે વાઈબ્રન્ટ સમિટમાં પ્રવચન કરતા જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે અમે બે-ત્રણ બીજી સાઈટ પણ નક્કી કરી છે. જેમાં ગોવા અને બંગાળની ખાડીનો સમાવેશ થાય છે.

૭૦ હજાર ફૂટ પછી અવકાશ

ગગનયાન ઈસરો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આકાશમાં ૭૦,૦૦૦ ફૂટ પછી અવકાશની હદ શરૂ થાય છે. મતલબ ઓછામાં ઓછું ૭૦,૦૦૦ ફૂટ ઊંચે સુધી તો યાન મોકલવું જ પડે. ગગનયાન કદાચ તેના કરતાં પણ વધુ ઉંચાઈ સુધી મોકલાશે. ગગન યાનમાં ત્રણ અવકાશયાત્રીને મોકલવામાં આવશે.

સજ્જ પાઈલટની જ પસંદગી

અવકાશયાત્રી તરીકે સ્વભાવિક રીતે એરફોર્સના પાઈલોટમાંથી પસંદગી થશે. કેમકે પાઈલોટ સામાન્ય રીતે ૫૦થી ૬૦ હજાર ફૂટની ઉંચાઈ સુધી વિમાન ઉડાડતા હોય છે. પરંતુ અવકાશમાં સફર કરવી એ અલગ પ્રક્રિયા છે. યાન ઉપર ઊડે ત્યારે અવકાશમાં યાત્રીના શરીર પર ભયંકર દબાણ આવે અને મગજમાં લોહીની સ્થિતિ પણ બદલે તેથી તેના પર દેખરેખ જરૂરી રહે છે. માનવશરીર કેટલી ગ્રેવિટી સહન કરી શકે તે અંગે રિસર્ચ પણ જરૂરી છે. તેથી અવકાશયાત્રી પાઈલોટ માત્ર શારીરિક જ નહીં, પરંતુ મગજથી પણ મજબૂત હોવો જોઈએ. આવા અનેક પરિબળોમાંથી જે પાઈલોટ પાર ઉતરશે તેને જ અવકાશયાત્રી તરીકે મોકલવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter