નમ્રમુનિ મહારાજની નિશ્રામાં બે મુમુક્ષુ બહેનોએ દીક્ષા લીધી

માથામાં ગંભીર ઈજા છતાં વ્હીલચેરમાં દીક્ષા ગ્રહણ કરી

Wednesday 12th December 2018 05:59 EST
 
 

રાજકોટ: ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ અંતર્ગત નમ્રમુનિ મહારાજ તથા અન્ય મુનિ ભગવંતો અને મહાસતીજીની નિશ્રામાં રવિવારે રાજકોટમાં દિવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવમાં રાજકોટની બે મુમુક્ષુ બહેનો ઉપાસનાબહેન શેઠ અને આરાધનાબહેન ડેલીવાળાએ ગુરુદેવ નમ્રમુનિ મહારાજની નિશ્રામાં દીક્ષા લીધી હતી. આ દીક્ષા મહોત્સવમાં મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી પણ ઉપસ્થિત હતા. દીક્ષા બાદ મુમુક્ષુ બહેનો ઉપાસનાબહેન શેઠને પરમ સ્વમિત્રાજી મહાસતીજી અને આરાધનાબહેને પરમ આરાધ્યાજી મહાસતીજીના નામ અપાયાં હતાં. તેમનાં નામ સંસ્કાર ગોંડલ ગચ્છમાં રેસકોર્સના ડુંગર દરબારમાં વિશાળ શ્રાવકોની ઉપસ્થિતિમાં કરાયા હતા.
દીક્ષા પહેલાં મુમુક્ષુઓની વિશાળ શોભાયાત્રા યોજાઇ હતી જેમાં હજારોની સંખ્યામાં શ્રાવકો ઉપસ્થિત હતા. નમ્રમુનિ મહારાજે મહાપ્રભાવક ઉવસગહર સ્તોત્રની જય સાધનાથી શરૂ થયેલા કાર્યક્રમમાં મુમુક્ષુઓનું સ્વાગત કરાયું હતું.
દીક્ષાર્થીઓની સંયમ અનુમોદના માટે ઉપસ્થિત મુખ્ય પ્રધાને કહ્યું કે, બે બહેનોની દીક્ષા ગુજરાત માટે ગૌરવ છે. હું તેમને આશીર્વાદ આપવા નહીં આશીર્વાદ લેવા આવ્યો છું અઢળક જાહોજલાલી છોડી પ્રભુના શરણે થવું અઘરું છે. આ કળિયુગમાં આવા ભાવ પ્રગટ થવા તે ગુરુદેવ નમ્રમુનિ મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી જ શક્ય છે. રાજકોટવાસી, એક શ્રાવક, સ્થાનકવાસી જૈન તરીકે હું આનંદ સાથે ગૌરવ અનુભવું છું અને બહેનોનાં માતા-પિતાને વંદન કરું છું. તેઓએ રજત શ્રીફળ અર્પણ કરી દીક્ષાર્થીનું સન્માન કર્યું હતું. બહેનોનાં માતા-પિતાએ નમસ્કાર મહામંત્રની ફ્રેમ દ્વારા મુખ્ય પ્રધાનનું બહુમાન કર્યું હતું.
નમ્રમુનિ મહારાજે કહ્યું કે, વીરનો વારસદાર વીર હોય છે. આત્મા ત્યાગનો માર્ગ સ્વીકારે ત્યારે પારકામાંથી પોતાનો, અજાણ્યામાંથી જાણીતા બને છે. અહીં કન્યા વિદાય નહીં કલ્યાણ દાન થવાનું છે. આત્માનો ભાવ પ્રગટે ત્યારે રાજમહેલ પણ અટકાવી શકતો નથી. આ પળ છે ત્યાગની વૈરાગ્યની કસોટીની સોટી લાગે ત્યારે જ ખબર પડે છે. કંચન છે કે કથીર ત્યાગીના ઇતિહાસ રચાય છે. મુમુક્ષુઓને વિજય તિલકનો લાભ, ચરણ પૂજનનો લાભ શ્રેષ્ઠીઓએ લીધો હતો. ઉછામણીમાં પણ શ્રેષ્ઠીઓએ લાભ લીધો હતો.
મુમુક્ષુઓએ માતા-પિતાના ચરણમાં વંદના કરી ઉપકારની અભિવ્યકિત કરી હતી. આ તકે પ્રવીણભાઇ કોઠારી, ઇશ્વરભાઇ દોશી, ચંદ્રકાંતભાઇ શેઠ સહિતનાએ દીક્ષાર્થીના સંયમ ભાવને શુભેચ્છાના ભાવ વ્યક્ત કર્યા હતાં.
દીક્ષાર્થી પર કમાન તૂટી, પણ ‘આરાધના’ ન છૂટી
માથામાં ૨૭ ટાંકા આવ્યાં છતાં આરાધનાબહેને દીક્ષાનું મુહૂર્ત સાચવ્યું હતું. દીક્ષાર્થીની શોભાયાત્રા ડુંગર દરબાર પહોચવા માટે નીકળી ત્યારે એન્ટ્રી ગેટની કમાન તૂટીને દીક્ષાર્થી આરાધનાબહેન ડેલીવાળાના માથે પડી હતી. માથામાં ૧૨ ઇંચનો કાપો પડતાં તેમને તુરંત હોસ્પિટલ ખસેડાયાં હતાં. તેમના માથે ૨૭ ટાંકા લેવાયા હતા. છતાં માથામાં પાટા સાથે તેઓ દીક્ષા મંડપમાં પહોંચ્યાં હતાં અને દીક્ષા લીધી હતી. તેમના પિતા મનોજભાઇ ડેલીવાળાએ કહ્યું હતું કે, ગુરુદેવ જો આરાધનાને કશું થાય તો મારી બીજી દીકરીને ભક્તિના ચરણે અને શરણે ધરી દઇશ. જૈન સમાજમાં આ દીક્ષા મહોત્સવ અભૂતપૂર્વ બની રહ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter