પનામા પેપર લીક્સઃ હવે ભાવનગરના ઉદ્યોગપતિનું નામ બહાર આવ્યું

Thursday 05th May 2016 08:31 EDT
 
 

ભાવનગરઃ ભારતભરમાં હલચલ મચાવી દેનારા પનામા પેપર લીક્સમાં હવે ભાવનગરના ઉદ્યોગપતિ અબ્દુલકાદર કાસમભાઇ પીરવાણીનું નામ જાહેર થયું છે.
તાજેતરમાં એક અંગ્રેજી અખબારે પનામાની લીગલ ફર્મ મોઝેક ફોન્સેકાની ફાઇલો ફંફોસીને એવો ઘટસ્ફોટ કર્યો હતો કે ભારતના કેટલાક ઉદ્યોગપતિઓ, અભિનેતાઓ અને ધનાઢયોએ ટેક્સ હેવન ગણાતા દેશોમાં કંપનીઓ સ્થાપી છે. અખબારે વિદેશમાં આવી કથિત કંપનીઓ સ્થાપનાર દેશની જાણીતી હસ્તીઓના નામ પણ જાહેર કર્યા હતા. વિદેશમાં આવી કંપની સ્થાપનારાઓની યાદીમાં શહેરથી દસ કિલોમીટરના અંતરે આવેલા વરતેજ ગામે રહેતા અબ્દુલકાદર કાસમભાઈ પીરવાણીનું નામ પણ સામેલ હોવાના અહેવાલ છે. અલંગ ઉદ્યોગમાં ૧૯૯૦માં પ્રવેશેલા પીરવાણીનું નામ એક યા બીજા કારણસર ચર્ચામાં રહ્યું છે. તેમણે ખુદે પણ વિદેશમાં કંપની સ્થાપ્યાની વાત કબૂલી છે. અલબત્ત, તેમનો દાવો છે કે આ પ્રકારે વિદેશમાં કંપની સ્થાપવાની દરેક ગુનેગાર બની જાય તે જરૂરી નથી.
‘ઓછા વ્યાજે લોન લેવા કંપની સ્થાપી’
ઉદ્યોગપતિ પીરવાણીએ આ ચકચારી મામલે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૨૦૦૦ની સાલમાં વિદેશમાંથી લોન મેળવવા પ્રયાસ કર્યો હતો કારણ કે, અહીં બેન્કના વ્યાજ આકરા છે. ભારતમાં ૧૩.૫૦ ટકાથી ૧૪ ટકાએ લોન મળે છે જ્યારે કેટલાક દેશોમાં માત્ર ૪ ટકાએ નાણા મળે છે. આ હળવા દરની લોન લેવા માટે ત્યાં કંપની બનાવવી જરૂરી હોવાથી કંપની બનાવી હતી. આ કંપની માત્ર એક ડોલરની છે. બીજુ, ભારતમાંથી વિદેશ રૂપિયા લઈ જવાના હોય તો આરબીઆઇ (રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા)ની મંજૂરી લેવી જરૂરી છે, પણ ત્યાંથી જ લોન લઈને કામ કરવાનું હોય તો આરબીઆઇની પરમિશનની કોઈ જરૂર રહેતી નથી. આ તો માત્ર પનામા પેપર્સની વાત છે. આવી તો હજારો કંપનીઓ વિદેશમાં ખુલેલી છે તો તે તમામ કંઈ ગૂનેગાર બની જતા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter