પરદાદાની ઉંમરના વૃદ્ધ પિતા બન્યા

Monday 13th April 2015 07:10 EDT
 
 

પોરબંદરઃ આજે સમાજમાં એવા ઘણા વૃદ્ધો હજે જેમણે પોતાની ચાર પેઢ જોઇ હોય અથવા તેમણે પોતાના પૌત્રોનાં સંતાનોને રમાડ્યા હોય. પરંતુ અહીં વાત એક એવા વૃદ્ધની છે જેઓ પરદાદાની ઉંમરે પિતા બન્યા છે. પોરબંદર નજીક ફટાણા ગામના ૮૦ વર્ષીય ભીખુભાઈ વીરમાણભાઈ ઓડેદરા એક પુત્રના પિતા બન્યા છે. આ ઘટના મેડિકલ સાયન્સ તેમ જ સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

નિર્વ્યસની અને નખમાં પણ રોગ નહીં ધરાવતા ભીખુભાઈની તંદુરસ્તી ભલભલા યુવાનોને શરમાવે તેવી છે. આ ઉંમરે જ્યારે સરેરાશ લોકો નિવૃત્તિ જીવન જીવતા હોય છે ત્યારે ભીખુભાઈ આજે પણ ખેતરમાં સખત મહેનત કરે છે. ભીખુભાઈના ૧૬ વર્ષની ઉંમરે પ્રથમ લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન સંતાન નહીં થતા થોડા વર્ષો બાદ છૂટાછેડા લઈ બીજા લગ્ન કર્યા હતા. બીજી પત્ની થકી તેમને એક પછી એક પાંચ પુત્રીઓનો જન્મ થયો હતો. થોડા સમય પહેલા તેમની પત્નીનું અવસાન થતા ૧૧ મહિના પહેલા જ તેમણે ૪૦ વર્ષીય શાંતિબેન સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. શાંતિબેને ૯ એપ્રિલે નોર્મલ ડિલીવરી થકી એક પુત્રને જન્મ આપ્યો છે.

પુત્ર જન્મતા ભીખુભાઈના પરિવારમાં ખુશાલી વ્યાપી છે. પાંચમાંથી એક બહેનનું મૃત્યુ થતા હયાત ચારેય બહેનોએ ભાઈનું સુખ મળ્યાની ખુશી વ્યક્ત કરી હતી. ભીખુભાઈની મોટી દીકરી લાખીબહેને જ ગર્ભાવસ્થા દરમિયાન અંત સુધી પોતાની નવી માતા શાંતિબેનની સંભાળ રાખી હતી. લાખીબેને કહ્યું હતું કે તમામ બહેનોને ભાઈની ખોટ સાલતી હતી. પુત્રનો જન્મ થતાં આ કમી પૂરી થઈ છે.

શાંતિબેનને તબીબી સહાય આપનાર ગાયનેકોલોજીસ્ટ ડો. પારસ મજીઠિયાના કહે છે કે, સામાન્ય રીતે આ ઉંમરે પિતા બનવાના કિસ્સા ખૂબ જ ઓછા હોય છે. જો કે, પુરુષોની શરીર રચના પ્રમાણે તે ગમે તે ઉંમરે પિતા બની શકે છે પરંતુ આરોગ્યપ્ર ખોરાકના અભાવે ૫૦ વર્ષ પછી પુરુષો ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયરોગનો ભોગ બનતા હોય છે જેની આડઅસરથી તેઓ પ્રજનન શક્તિ ગુમાવે છે. ભીખુભાઈ ઓડેદરા નવજાત પુત્રને રમાડી પોતાનો હરખ પોષી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter