પાંચ મહાનુભાવોને મોરારિબાપુના હસ્તે કાગ એવોર્ડ

Tuesday 24th February 2015 12:17 EST
 

મજાદર-કાગધામ ખાતે રવિવારે પૂ. મોરારિબાપુના હસ્તે પાંચ મહાનુભાવોને કાગ એવોર્ડ એનાયત થયા હતા. જેમાં જામનગરના રાજ કવિ સ્વ. માવદાનભાઇ રત્નુને મરણોત્તર એવોર્ડ એનાયત કરાયો હતો. જે તેમના પુત્ર નરેશભાઇએ સ્વીકાર્યો હતો. ચારણી સાહિત્યના સંશોધક તરીકે ધ્રાંગધ્રાના રમણીકભાઇ મારૂને, ચારણી છંદ બંધારણના વિદ્વાન અને જેમને કાગવાણીના આઠ ભાગ કંઠસ્થ છે, તેવા પ્રભુદાનભાઇ સુરૂ અને લોકસંગીત લોકગાયક તરીકે બિહારી હેમુ ગઢવીને કાગ એવોર્ડ એનાયત કર્યો હતો. આ ઉપરાંત પરપ્રાંતીય કવિ-સાહિત્યકારનો કાગ એવોર્ડ આ વખતે જોધપુરની રાજસ્થાન યુનિવર્સિટીના સંશોધક ડો. સોહન ગાંધી ચારણને એનાયત થયો હતો. મોરારિબાપુએ એવોર્ડ વિતરણ કરતી વખતે કવિ કાગના પૌત્ર બાબુભાઇને સાથે રાખ્યા હતા. આ પ્રસંગે મોરારિબાપુએ કહ્યું હતું કે, ચારણ સમાજ ખમીરવંતો સમાજ છે. તે મા ભગવતી સિવાય કોઇને નમન કરતો નથી. ભારતની સંસ્કૃતિ ઉજાગર કરવામાં તેમનો મોટો ફાળો છે. કાગબાપુએ જે પદો રચ્યા તે પદો આજે પણ બધા સાંભળે છે, ભવિષ્યમાં પણ સાંભળતા રહેશે, કારણ કે, આગામી દશ પેઢી સુધી કાગ બાપુ જેવો બીજો કવિ પેદા થશે નહીં.

પોરબંદરના વૈષ્ણવાચાર્યનાં માતા સહિત ૫ લોકોના આકસ્મિક મોત

 પોરબંદરનાં વૈષ્ણવાચાર્ય વસંતબાવાનાં માતા મધુરિમાબેન મથુરેશજી, તેમનાં માસી સવિતાવહુજી શ્યામબાવા સહિતના લોકો ગત સપ્તાહે કારમાં મથુરા તરફ જઈ રહ્યા હતા ત્યારે બપોરે મથુરાથી ૧૫ કિ.મી. દૂર રાયા ગામ પાસે સિંગલ પટ્ટી રોડ પર તેમની ટવેરા કાર સામેથી આવતા ટેન્કર સાથે ટકરાઇ હતી. જેમાં મધુરિમાબેન, સવિતાવહુજી, ડ્રાઇવર અતુર છોટાલાલ, વનિતાબેન મગનભાઈ ઝાલાવાડિયા અને વસંતબાવાનાં પરિવારનાં મથુરા ખાતે રહેતા પુરોહિત માધવ ગોકુલેશ ચતુર્વેદીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે શ્રુતિ શ્યામબાવા અને જાગૃતિબેન મોહનભાઈ પોપટને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સાસણગીરમાં સિંહદર્શન મોંઘું થયું

એશિયાટિક સિંહના વસવાટ માટે જાણીતા સાસણગીરના જંગલમાં સિંહને વિહરતા જોવો મોંધા બન્યા છે. ગુજરાત સરકારે ગીર અભ્યારણ્ય, નેશનલ પાર્ક અને દેવળિયા પાર્કમાં સિંહદર્શન માટે પ્રવાસીઓ પાસે વસૂલાતી વ્યક્તિ દીઠ પ્રવેશ ફી રૂ. ૧૦થી વધારીને રૂ. ૧૦૦ કરી છે. માત્ર એન્ટ્રી જ નહિ, સેન્ચ્યુરી અને પાર્ક સંલગ્ન વન વિભાગ કે સરકાર હસ્તકના રેસ્ટ હાઉસ કે સર્કિટ હાઉસમાં રોકાણ, ભોજન માટેના દરથી લઈને ફોટોગ્રાફી કરવા, ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માણથી લઈને સામૂહિક સિંહદર્શન માટે લઈ જવામાં આવતા ખાનગી અને સરકારી વાહનોના દરમાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે.

ઉપલેટામાં સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ

રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ૨૪ ફેબ્રુઆરીએ અહીંના પોરબંદર રોડસ્થિત ભક્તિદીદી સ્થાપિત શ્રી જય જલારામ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે કોઈપણ ભેદભાવ વગર સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન થયું હતું. જેમાં ૧૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહલગ્નમાં લંડનથી સુરેશભાઈ શાહ તથા તેમના મિત્રો અને મુંબઈથી મહાલક્ષ્મી મહિલા મંડળની બહેનો સહિત ધાર્મિક-સામાજિક સેવાકીય આગેવાનોએ નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter