વેરાવળઃ પાકિસ્તાન જેલમાં બંદીવાન ભારતીય માછીમારો પૈકીના ૧૮ માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવતાં આ મુક્ત થયેલા માછીમારો સોમવારના રોજ વાઘા બોર્ડર ખાતે ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. એ પછી ૮મી જૂન અને ૯મી જૂનના રોજ માછીમારો માદરેવતન વેરાવળ પહોંચ્યા હતા. આ અંગે ફિશરીઝ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની જેલમાં બંદીવાન ભારતીય માછીમારો પૈકીના ૧૮ માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય તાજેતરમાં પાક. સરકાર દ્વારા કરાયો હતો. જેની જાણ ભારતના વિદેશ વિભાગ મારફત રાજ્યના ફિશરીઝ વિભાગને થઈ હતી. આ મુક્ત થયેલા ૧૮ માછીમારોને સોમવારે સાંજે વાઘા બોર્ડર ખાતે પાક.ના અધિકારીઓ ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યા ત્યારે માછીમારોનો કબજો લેવા રાજ્યના ફિશરીઝ વિભાગના અધિકારીઓ સહિતની ટીમ વાઘા બોર્ડરે હાજર રહી. આ મુક્ત થયેલા ૧૮ માછીમારોમાં ઉનાના ૧૧, ઉંમરગાવના ૬ તથા આંધ્રપ્રદેશના ૧નો સમાવેશ થાય છે.