અમરેલીઃ પાટીદાર અનામત આંદોલનના સમર્થનમાં આવેલા ધારીના ધારાસભ્ય નલિન કોટડિયાએ હવે જાહેરમાં ભાજપનો વિરોધ કર્યો છે. તેમણે એક જાહેર કાર્યક્રમમાં જ્યાં સુધી અનામત ન મળે ત્યા સુધી ભાજપને મત ન આપવા અપીલ કરતા ભારે ચર્ચા જાગી છે. તેમણે પાટીદાર અનામત આંદોલનને પોતાનો ટેકો જાહેર કર્યો છે. નલિન કોટડિયા વર્ષ ૨૦૧૨માં ગુજરાત પરિવર્તન પાર્ટીની ટિકિટ પરથી ચૂંટાયા હતા અને પછી ૨૦૧૪માં તેનું ભાજપમાં વિલિનિકરણ થઇ જતાં તેઓ ભાજપને ટેકો આપતા હતા. આ સમર્થનને કારણે ગત સપ્તાહે કોટડિયાના સન્માન કાર્યક્રમ ચલાલાના કમી ગામે રાખવામાં આવ્યો હતો. જ્યાં તેમણે ઉપરોક્ત નિવેધ આપ્યું હતું. તાજેતરમાં કોટડિયા સામે મંજૂરી વગર પૂતળાદહન કરવાના મુદ્દે ધારી પોલીસમાં ગુનો દાખલ થયો હતો. આ ઉપરાંત તેમણે ઈકો સેન્સીટીવ ઝોન મુદ્દે સરકાર સામે લડત શરૂ કરી છે. તે અંગે તેણે અમરેલી ભાજપના સાંસદ, સાવરકુંડલા અને બાબરાના ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ પણ ચર્ચાસ્પદ નિવેદનો કર્યા હતા.
પાકિસ્તાને ૧૨ બોટ સાથે ૭૦ માછીમારોનાં અપહરણ કર્યાંઃ પોરબંદરઃ માછીમારીની સિઝન ઓગસ્ટ મહિનાથી શરૂ થઇ છે અને માછીમારો કામમાં ધીરધીરે વ્યસ્ત બની રહ્યા છે. આ સ્થિતિમાં પાકિસ્તાનના ચાંચિયાઓ દ્વારા અપહરણની ઘટનાઓ શરૂ થઇ છે. ગત સપ્તાહે ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલ ૧૨ બોટનું અપહરણ કરી ૭૦ માછીમારોને બંધક બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાન મરિન ભારતમાં ૧૫ ઓગસ્ટથી માછીમારીની સિઝન શરૂ થાય ત્યારથી ભારતીય જળસીમા નજીક પડાવ નાખતી હોય છે. ગત સપ્તાહે ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલ પોરબંદરની ૯ તથા એક માંગરોળની બોટને ઘેરી લઈને તેમાં રહેલા ૭૦ માછીમારોનાં અપહરણ કરી પાકિસ્તાન લઈ જવાયાં છે અને ત્યાં તેમના પર ગુનો દાખલ કરી જેલમાં બંદીવાન બનાવવામાં આવ્યા છે. પાક. મરિનની આ કૃત્યના સમાચાર માછીમાર સમાજમાં ફેલાતા લોકોમાં રોષ વ્યાપ્યો છે.
ધારી-ખાંભામાં દોઢ ઈંચ વરસાદઃ સૌરાષ્ટ્રમાં ગત સપ્તાહે બે-ત્રણ દિવસમાં અસહ્ય ગરમીનો અનુભવ લોકોને થયો હતો. અમરેલી જિલ્લામાં ૩ ઓક્ટોબરે બપોર બાદ અચાનક હવામાનમાં પલટો આવતા ખાંભા-ધારી પંથકમાં છૂટા છવાયા ઝાપટાથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. અહીંના બોરાળા ગામે વીજળી પડતા એક બળદનું મોત થયું હતું. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, જામનગર, અમરેલી જિલ્લામાં બપોરના સમયે ઉનાળા જેવા તાપનો લોકો અનુભવ કરી રહ્યા છે. ૩૭ ડિગ્રી સુધી મહત્તમ તાપમાનનો પારો પહોંચતાં લોકો અકળામણ અનુભવતા હતા.