રાજકોટઃ અમદાવાદમાં ૨૫ ઓગસ્ટે યોજાયેલી પાટીદારોની અનામત રેલી અને પછી ગુજરાત બંધના એલાનને લીધે સૌરાષ્ટ્રના વ્યાપાર-ઉદ્યોગને અંદાજે ચાર હજાર કરોડનું નુક્સાન થયું હોવાના અહેવાલ છે. રક્ષાબંધન પૂર્વે આખું અઠવાડિયું ધંધા અને ટર્નઓવર ઠપ્પ થઇ ગયું હતું. હવે પાછી જન્માષ્ટમીની રજાઓ પૂર્વે ફક્ત ત્રણથી ચાર દિવસ જ કામ થવાનું હોવાથી નાણાકીય નુક્સાનીનો આંકડો વધવાની સંભાવના છે. ગત અઠવાડિયે સોમવારે બજારમાં કામ શરૂ થયું, એ પછી રેલી, બંધ અને તોફાનોથી વેપાર-ધંધા બંધ થઇ ગયા હતા. માર્કેટ યાર્ડના વર્તુળો જણાવે છે કે, ગુજરાતભરના માર્કેટ યાર્ડો સતત બે દિવસ બંધ રહ્યા. આથી કૃષિ પેદાશોનું ટર્નઓવર અટકી જતા કરોડો રૂપિયાનું નુક્સાન ખેડૂતોને થયું છે. એ પછી પણ ખેડૂતો ભયને લીધે યાર્ડમાં માલ લઇને ન આવતા વેપાર ઠપ થયો હતો.
ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ધનસુખભાઇ વોરા કહે છે, ઉદ્યોગો માટે બહારથી આવતા કાચા માલ અને તૈયાર માલની ટ્રક દ્વારા ટ્રાન્સપોર્ટેશન બે દિવસ સુધી સદંતર બંધ રહ્યું. નિકાસ માટે જતો માલ પણ અટવાયો હતો. હવે સ્થિતિ માંડ થાળે પડી છે. સૌરાષ્ટ્રની રેલવે સેવા મહદઅંશે બંધ હતી અને એસ.ટી. બસની સેવાને પણ વ્યાપક અસર પહોંચી હતી.