પાલિતાણામાં લેણું નહીં ચૂકવી શકતા વ્યાજખોરોએ યુવકને જીવતો સળગાવ્યો

Wednesday 07th April 2021 05:09 EDT
 
 

ભાવનગર: રાજ્ય સરકાર ભલે વ્યાજખોરો વિરુદ્વ ગમેતેવા આકરા કાયદા ઘડતી હોય પરંતુ વ્યાજખોરો જાણે કાયદાથી પર હોય તેમ બેખૌફ - બેફામ બની રહ્યાં છે. આવા જ એક કિસ્સામાં પાલિતાણામાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવાનને જાહેરમાં પેટ્રોલ છાંટીને સળગાવી દેવાની ઘટના બની છે. ગંભીર રીતે દાઝેલા યુવાનનું શનિવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, પાલિતાણામાં રહેતા મહેબૂબશા રૂસ્તમશા પઠાણ (૧૯)એ લાલા પ્રતાપ કાઠી પાસેથી ૩ માસ અગાઉ ૪૦ હજાર રૂપિયા અને ભયલુ બહાદૂરભાઇ કાઠી પાસેથી ૨ માસ અગાઉ ૨૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જોકે આ રકમ ચુકવી નહી શકતા ગયા શુક્રવારે રાત્રે ભાવનગર-પાલિતાણા રોડ નજીક મહેબૂબશાને લાલ પ્રતાપભાઇ કોટિલા અને મહિપત બહાદૂર કોટિલાએ અટકાવ્યો હતો અને પછી બાકી લેણાની ઉઘરાણી કરી હતી. મહેબૂબશાએ નાણાં ન હોવાનું જણાવ્યું હતું. આ પછી આરોપીઓએ તેને પૈસા આપીને પેટ્રોલ, બીડી અને માચીસ લેવા મોકલ્યો હતો. મહેબૂબશા પાછો ફર્યો કે આરોપીઓએ ફરી તેની પાસે નાણાંની માગણી કરી હતી. આ સમયે પણ મહેબૂબશાએ નાણાં હોવાનો ઇન્કાર કરતાં આરોપીઓએ તેના હાથમાંથી પેટ્રોલ છીનવી લઇને તેના પર છાંટી દીધું હતું અને દિવાસળી ચાંપી દીધી હતી.
ગંભીર રીતે દાઝી ગયેલા મહેબૂબશાને તરત જ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન શનિવારે સાંજે મોત નિપજ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter