પોતાના ખર્ચે ગામનો વિકાસ કરતા અનોખા સરપંચ

Friday 17th April 2015 06:38 EDT
 
 

પોરબંદરઃ જિલ્લાના મૈયારીના સરપંચ અનોખા ગામભક્ત છે. યુવાન સરપંચ ભરત પરમાર એક જુદા પ્રકારનો નિયમ પાળે છે. તેઓ સવારે જાગ્યા પછી જ્યાં સુધી ગ્રામપંચાયતની ઓફિસે ન આવે ત્યાં સુધી પાણીનો એક ઘૂંટડો પણ નથી પીતા. આ અંગે ૩૬ વર્ષીય ભરતભાઇ કહે છે કે, તેઓ પોતાના ગામની પંચાયતને મંદિર માને છે. ભરતભાઈએ અત્યાર સુધી ગામ માટે રૂ. ૧૬ લાખ જેટલો ખર્ચ કર્યો છે. આ ખર્ચમાં તેમણે ગામમાં ૬૧ CCTV કેમેરા અને એનું કન્ટ્રોલ-સ્ટેશન બનાવ્યું છે. ગામમાં ૨૦૦ સ્ટ્રીટ લાઇટ પણ પોતે નખાવી છે. રૂ. ૮ લાખનાના ખર્ચે જે ગાર્ડન બન્યું છે એ પણ ભરતભાઈએ પોતાના ખર્ચે બનાવ્યું છે. અંદાજે ૪૫૦૦ની વસતી ધરાવતા આ ગામની મુખ્ય છ સડક પણ ભરતભાઈએ પોતાના ખર્ચે બનાવડાવી છે. ખેતીનો વ્યવસાય ધરાવતા ભરતભાઈ કહે છે, ‘ભગવાનની દયાથી મારી પાસે બધું છે, તો પછી હું શું કામ જે છે એ બીજા માટે ન ખર્ચું. એમાં આ તો બીજાની વાત પણ નથી, આ તો મારા જ ગામમાં સુવિધા ઊભી કરવાની વાત છે જે હું કરી રહ્યો છું.’

ભરતભાઈ મૈયારીને એક આદર્શ ગામ બનાવવા ઇચ્છે છે. ખાસ વાત એ છે કે પોતાનું આ સપનું પૂર્ણ કરવા માટે તેઓ સરકારી સહાયની રાહ જોવાને બદલે પોતાના નાણાંથી જ કામ કરાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે સ્વચ્છ ભારતનું આહવાન કર્યું ત્યારે ભરતભાઈએ ગામમાં જાતે ફરીને કેટલાં ઘરમાં ટોઇલેટ નથી એ ચેક કર્યું અને જે ૪૯૨ ઘર ટોઇલેટ વિનાનાં હતાં એમાં પોતાના ખર્ચે ટોઇલેટ બનાવડાવ્યાં. નાણાંના અભાવે આ જ ગામના ૬૦૦ ઘરમાં પાણીનું કનેકશન નહોતું. પણ પાણી એ તો નાગરિકનો જન્મસિદ્ધ હક છે એવું ધારીને તેમણે એ ૬૦૦ ઘરમાં પાણી અપાવ્યું. આ બધાં કામ પછી ગાર્ડન-મેઇન્ટેનન્સથી લઈને સ્ટ્રીટ-લાઇટનાં બિલ સુદ્ધાંનો મહિનાનો રૂ. દોઢ લાખનો ખર્ચ થાય છે એ ખર્ચ ભરતભાઈ પોતાના ખિસ્સામાંથી જ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter