પોરબંદરઃ ચોપાટી ઉપર હજુર પેલેસ પાસે એક મોટી માછલીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ વહેલ અથવા ડોલ્ફીન હોવાનો અંદાજ હતો, પરંતુ તે પોર્પોઇઝ જાતિની નેવિગેશન સિસ્ટમ ધરાવતી વિશિષ્ટ માછલી હોવાનું બહાર આવ્યું હતું.
જે રીતે મશીનરીમાં નેવિગેશન સિસ્ટમ હોય તેવી જ સિસ્ટમ પર્પોઇઝ જાતિની માછલી ધરાવે છે. મગજમાં ચુંબકીય લોહતત્ત્વને લીધે નેવિગેશન સિસ્ટમ ડેવલોપ કરીને ચોક્કસ રસ્તા ઉપર પરિભ્રમણ કરે છે. એટલું જ નહીં આ માછલીમાં સોલાર સિસ્ટમ પણ હોય છે. તેથી ૧૦૦૦ ફૂટ ઊંડે સૂર્યપ્રકાશ પહોંચે નહીં તેવી જગ્યાએ અને તળિયાનું રેખાચિત્ર તેના મગજમાં ફિટ થઈ જાય છે.
તેની એક ખૂબી એ પણ છે કે માદા હોય છે તે નર કરતાં કદમાં મોટી હોય છે. ૧.૨ મીટરની ૨.૪ મીટર સુધી લંબાઈ ધરાવતી આવી પોર્પોઇઝ માછલીમાં પણ ૬ અલગ અલગ પ્રકાર હોય છે. તેમાંની એક આ માછલી છે. ૧૮ કિલો વજનની આ માછલીની ઉંમર યુવાવયની છે. તેની એક ખાસિયત એ છે કે તેને બે મગજ હોય છે. જેમાંથી એક મગજ સક્રિય રહે છે. સૂવે ત્યારે બીજી બાજુ આંખ અને મગજ કાર્યરત હોય છે. તરતાં તરતાં પણ ઊંઘી શકે તેવી આ માછલીને હિન્દીમાં શિશુમાર કહે છે તથા તે ટ્રાવેલિંગ પાથને ઓળખી જતી હોવાથી જે રસ્તેથી દરિયામાં પસાર થાય ત્યાં ફરીથી નીકળે ત્યારે જ એ રૂટ પરથી પસાર થાય છે.


