પોરબંદરના દરિયામાંથી રૂ. ૪૨૦૦ કરોડનું ૧૫૦૦ કિ.ગ્રા. ડ્રગ્સ ઝડપાયું

Wednesday 02nd August 2017 08:44 EDT
 
 

પોરબંદર: ઈરાનના છબ્બર બંદરથી રૂ. ૪૨૦૦ કરોડનું ૧૫૦૦ કિલો હેરોઈન અને ચિતા ડ્રગ્સ ગુજરાતના દરિયા માર્ગે ભારતમાં ઘૂસાડવાનું રેકેટ ગુજરાત કોસ્ટગાર્ડે ૨૯મી જુલાઈએ સફળતા પૂર્વક પાર પાડ્યું છે. બાતમીના આધારે ૨૭મી જુલાઈએ ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા એક શિપ, ડોનિયર વિમાન અને હેલિકોપ્ટરની મદદથી પોરબંદરથી ૩૯૮ કિ.મી.ના દરિયામાં સર્ચ ઓપરેશન શરૂ થતાં ઈરાનની કાર્ગો શિપ દેખાઈ હતી. પ્રાથમિક તબક્કે તેનું નામ ‘પ્રિન્સ-૨’ જણાવાયું હતું. આ જ શિપમાં મોટી માત્રામાં ડ્રગ છુપાયું હોવાની શંકા જતાં કોસ્ટગાર્ડની ટીમે આ જહાજ પર વોચ રાખી હતી. આ ઓપરેશનમાં મુંબઈ, ગાંધીધામ અને પોરબંદર કોસ્ટગાર્ડને એલર્ટ કરાયું હતું. ૨૯મીએ આ શિપમાંથી ૧૫૦૦ કિલો ડ્રગ્સ જપ્ત કરાયું હતું. પોરબંદર કોસ્ટગાર્ડ જેટીએ ગુજરાત કોસ્ટગાર્ડના રેન્જ આઈ. જી. રાકેશ પાલે સમગ્ર માહિતી આપતા જણાવ્યું હતું કે ઈરાનથી ગુજરાત સમુદ્રમાં આવીને ભાવનગર અથવા અન્ય પોર્ટ પર આયોજન મુજબ ડ્રગ્સનો આ મોટો જથ્થો ઉતરવાનો હતો.
આ શિપનું નામ ‘પ્રિન્સ-૨’ પછી ‘અલ-સાદિક’ અને છેલ્લે સાચું નામ ‘એમ વી હેનરી’ બહાર આવતા આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. ખાસ પ્રકારના રડાર દ્વારા પોરબંદર દરિયાઈ સુરક્ષા સમિતિના અધિકારી રાકેશ પાલે આ ઓપરેશનની સૂચના આપી હતી.
કેપ્ટનને પાંચ કરોડ
આ ડ્રગ્સ ડિલિવરી માટે શિપના કપ્તાન સૂરપ્રીત તિવારીને રૂ. પાંચ કરોડ મળવાના હતા. શિપના કેપ્ટનની પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, તેમને ઉપરથી સૂચના હતી કે જો પકડાઈ જશો એવું લાગે તો માલ દરિયામાં પધરાવી દેવો.
અલંગમાં બેકિંગ માટે આવતી આ બોટનો કપ્તાન આ રકમમાંથી ક્રૂ મેમ્બરને કંઈ આપવાનો હતો કે શિપનાં ક્રૂ મેમ્બર્સને અંધારામાં રાખી આ સોદો પાર પાડવાનો હતો તે અંગે એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ડ્રગ્સ આપનાર અને તેની ડિલિવરી જેમને આપવાની હતી તે બંનેના મોબાઈલ નંબર સૂરપ્રીત પાસેથી મળ્યા છે બીજી તરફ એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વોર્ડે આ કેસમાં મુંબઈથી વિશાલ અને ઉત્તર પ્રદેશમાંથી ઇરફાન એમ બે માણસોની ધરપકડ કરી છે.
જહાજ ઇજિપ્ત જતું હતું
આ કેસમાં જોકે ૩૧મી જુલાઈએ નવો ઘટસ્ફોટ થયો છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે, આ ડ્રગ્સ પાકિસ્તાનથી બોટમાં લોડ કરાઈને ઇજિપ્ત મોકલાતું હતું. ઇજિપ્ત ડ્રગ્સ ઉતારીને પછી જહાજ અલંગમાં તૂટવા આવવાનું હતું. બીજી તરફ આ ડ્રગ્સ આઇએસઆઇનું હોવાનો દાવો પણ કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter