પોરબંદરઃ પોરબંદરમાં છેલ્લા પાંચેક વર્ષથી ભારતીય નેવીની સુરક્ષા એજન્સી દ્વારા માનવરહિત વિમાન કાર્યરત કરાયું છે જેને ‘ડ્રોન યુએવી પ્લેન’ કહેવાય છે. આ વિમાને ૨૨મી માર્ચે સવારે પોરબંદરના એર પોર્ટ ઉપરથી ઊડાન ભરીને ત્યારબાદ તેમાં ટેકનિકલ ખામી સર્જાતા ઉદ્યોગનગર વિસ્તારમાં તે તૂટી પડ્યું હતું. સદનસીબે ત્યાં કોઈ વ્યક્તિઓ હાજર નહીં હોવાથી ઈજા કે જાનહાનિ નહીં થતાં રાહત થઈ છે. ઈઝરાયેલ બનાવટનું આ માનવ રહિત ડ્રોન તૂટવાથી સરકારને રૂ. ૫૦ કરોડની નુકસાની થઈ છે. પોરબંદરની દરિયાઈપટ્ટીની સુરક્ષા માટે નેવીમાં છેલ્લા પાંચેક વર્ષથી કાર્યરત માનવરહિત યુ.એ.વી. પ્લેન (ડ્રોન) દરિયા ઉપર ૫૦ કિ.મી.ની રેન્જમાં ફોટો પાડીને સુરક્ષા એજન્સીના કંટ્રોલરૂમમાં પહોંચાડતું હતું. જોકે વિમાને સવારે એર પોર્ટ પરથી ઊડાન ભરી ત્યારે જ કંટ્રોલરૂમમાં એરર શબ્દ સ્ક્રિન ઉપર ઝળકી ઊઠ્યો હતો.