પોરબંદરઃ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે પોરબંદરમાં ૨ ઓક્ટોબરે ગાંધી જયંતી નિમિત્તે કીર્તિ મંદિરમાં યોજાયેલી પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ પછી તેમણે રૂ. ૧૫.૫૦ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ કરીને જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીની વિદેશયાત્રા ફરવા માટેની નથી, પણ દેશના હિતમાં અને વિશ્વમાં ભારતને અવ્વલ બનાવવા માટે અનેક યોજના સાકાર કરવાના હેતુની છે. ગુજરાતીઓ શાંતિપ્રિય છે અને ઉચ્ચ જ્ઞાતિના યુવાનોને શિક્ષણ અને નોકરીમાં અન્યાય થતો હોવાનું છેલ્લા કેટલાય સમયથી સંભળાય છે ત્યારે તેમના માટે પણ સરકારે તાત્કાલિક નિર્ણય લીધા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવી દરેક નાગરિકની ફરજ છે. જ્યારે જ્યારે લોકો કાયદો હાથમાં લે છે ત્યારે પોલીસ ફરજ બજાવે છે. વડા પ્રધાન મોદીની સ્વચ્છતા અભિયાનની યોજનાને આત્મસાત કરવાની મુખ્ય પ્રધાને અપીલ કરી હતી.
પોરબંદરના દેગામ નજીક રૂ. પાંચ કરોડના ખર્ચે બનેલી અદ્યતન આરટીઓ કચેરી અને સાંદીપનિ હરિમંદિરની સામે જ સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું રૂ. સાત કરોડના ખર્ચે નિર્માણ કરાતા તેનું પણ લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત ડીવાયએસપી કચેરી અને કુતિયાણાની પ્રાંત અધિકારી કચેરીનું પણ ઉદ્ધાટન કર્યું હતું.