પ્રધાન કુંવરજી બાવળિયા સામેની છેતરપિંડીની એફઆઈઆર રદ

Tuesday 24th December 2019 05:19 EST
 
 

અમદાવાદઃ કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશેલા અને રાજ્યકક્ષાના પાણીપુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા સામે રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૦૫માં નોંધાયેલી વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ હાઇ કોર્ટે ૧૮મીએ રદ કરી છે. કુંવરજી બાવળિયા દ્વારા રજૂઆત થઈ હતી કે તે સમયે રાજકીય અણબનાવ અને ગેરમસજના કારણે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હવે બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ ચૂક્યું હોવાથી આ ફરિયાદ રદ થવી જોઇએ. હાઇ કોર્ટે આ રજૂઆત ગ્રાહ્ય રાખી બાવળિયા સામેની પોલીસ ફરિયાદ રદબાતલ ઠેરવી છે.
કુંવરજી બાવળિયાની હાઇ કોર્ટ સમક્ષ રજૂઆત છે કે વર્ષ ૧૯૯૪માં તેઓ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શ્રીગ્રામ સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અને વહીવટદાર હતા. આ વિસ્તારના નાગરિકોની સુખાકારી માટે તેમણે સરકારમાં ઘણીવાર જમીનની માગણી પણ કરી હતી. જેથી તેમને જસદણ તાલુકાના અમરાપુર ગામમાં સરકાર તરફથી આ ટ્રસ્ટને જમીન ફાળવવામાં આવતી હતી. વર્ષ ૨૦૦૩માં કુંવરજી બાવળિયાએ આ ટ્રસ્ટમાંથી રાજીનામું આપ્યું હતું.
આ ફરિયાદ રદ કરવાની માગણી સાથે કુંવરજી બાવળિયાએ કરેલી રિટમાં રજૂઆત કરવામાં આવી હતી કે તે સમયે રાજકીય અણબનાવ અને ગેરસમજના કારણે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હવે બંને પક્ષ વચ્ચે સમધાના થઇ ચૂક્યું હોવાથી આ પોલીસ ફરિયાદ રદ થવી જોઇએ. આ ઉપરાંત તેમની સામે પ્રથમ દર્શનીય રીતે કેસ પણ બનતો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter