ભાવનગરઃ ગામ લોકોને વિવિધ સમાચારથી માહિતગાર રાખવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ એક અનોખું અખબાર ચલાવીને પોતાની સર્જનાત્મક શક્તિને ખીલવી રહ્યા છે. ભાવનગર જિલ્લાના ભોળાવદર ગામની એક શાળામાં નવતર પ્રયોગ થયો છે. શાળાના નોટિસ બોર્ડને અખબાર બનાવાયું છે. આ અખબારમાં ગામમાં થતી દૈનિક ગતિવિધિઓથી લઇને દેશદુનિયાના સમાચાર આવરી લેવામાં આવે છે.
ગામમાં કોઈનું અવસાન થયું હોય, કોઈને ત્યાં સત્યનારાયણની કથા હોય, રેશનિંગની દુકાન ખોલવાનો સમય બદલાયો હોય કે પછી ગ્રામ પંચાયતમાં આધારકાર્ડની કામગીરી શરૂ થઈ હોય - આવા તમામ સમાચાર ત્યાં લખવામાં આવે છે. ધોરણ-૧થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકની મદદથી આ નોટિસ બોર્ડને દરરોજ ઉપયોગી સમાચાર આપતા રહે છે. ગામના સરપંચ, શાળાના પ્રિન્સિપાલ ધ્રુવ દેસાઈ અને ગ્રામ પંચાયતના સભ્યો બાળકોને માર્ગદર્શન પૂરું પાડે છે. છેલ્લા એક મહિનાથી ચાલતું આ સમાચારપત્ર ટૂંકાગાળામાં જ લોકપ્રિય થઈ ગયું છે.
પાલીતાણામાં માંસાહારના બેફામ વેચાણથી રોષઃ જૈનોના તીર્થધામ પાલીતાણામાં જાહેરમાં માંસ, મચ્છી, ઈંડાનું વેચાણ થઇ રહ્યું છે. ગત સપ્તાહે શહેરના પરિમલ વિસ્તારમાંથી ગેરકાયદે રીતે ૧૨૫૦ ઈંડા અને ૮૦ જીવતાં મરઘાં સાથે સાત વેપારી સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, અત્યારે ચાતુર્માસ ચાલે છે. ૮ આચાર્ય, એક હજાર સાધુ-સાધ્વી અને હજારો શ્રાવકો-શ્રાવિકા આ પવિત્ર નગરીમાં ધર્મ આરાધના કરી રહ્યા છે ત્યારે ફરીથી પાલિતાણા વેજીટેરિયન સિટી બને તેવી માગણી ઊઠી છે.
વઢવાણની મહિલાને પટોળાં માટે રાષ્ટ્રીય સન્માનઃ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના કંચનબહેન ગોહિલે બનાવેલા પટોળાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. અત્યાર સુધી ઉત્તર ગુજરાતનું પાટણ પટોળા માટે વિશ્વભરમાં જાણીતું છે. ભારતભરમાં ૭ ઓગસ્ટે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી થઇ હતી. તામિલનાડુના ચેન્નઈમાં આ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કંચનબહેનની હાથકળાને બિરદાવી તેમને સંત કબીર નેશનલ એવોર્ડ એનાયત કર્યો હતો. વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં હાથશાળમાં કામ કરી વિવિધ પટોળાં બનાવતાં કંચનબહેને ધોરણ-નવ સુધીનો અભ્યાસ કર્યો છે. ઝાલાવાડમાં ખાદી અને હાથશાળ કારીગરીની પ્રાચીન પરંપરા છે.