પ્રામાણિકતાની પરાકાષ્ટા!

Friday 03rd July 2015 07:22 EDT
 

રાજકોટઃ આજે નાની વાતોમાં છેતરપિંડી-ઠગાઇ જેવા અનેક કિસ્સા જોવા મળે છે. પરંતુ અહિ વાત એટલી મોટી રકમની છે કે, તે જેના હાથમાં આવે તેનું મન એકવાર તો ડગી જ જાય. જોકે, હજુ ઘણા લોકોમાં માનવતા મરી પરવારી નથી તે સાબિત કરતો અનોખો કિસ્સો રાજકોટમાં બન્યો છે. ગત સપ્તાહે સાંજે રાજકોટમાં રહેતા પ્રકાશભાઇ જીવરાજાણીને યાજ્ઞિક રોડ પરથી રૂ. ૧૯ લાખ ભરેલી બેગ મળી હતી. બેગમાં આટલા રૂપિયા જોઈને પ્રકાશભાઈ એક કલાક સુધી ત્યાં જ ઊભા રહ્યા, પણ કોઈ તે બેગ લેવા ન આવ્યું એટલે તેમણે મૂળ માલિક સુધી પહોંચવા તપાસ હાથ ધરી. કળિયુગમાં કદાચ જ બને તેમ પ્રકાશભાઇએ એવું પ્રણ લીધું કે, રૂપિયાનો મૂળ માલિક મળે નહીં ત્યાં સુધી માત્ર પાણી પર જ ઉપવાસ કરવા. પ્રકાશભાઈએ કહ્યું હતું કે, હરામનો એક રૂપિયો પણ જો ધનોતપનોત કાઢી નાખે તો આ તો ૧૯ લાખ રૂપિયા હતા. આ રૂપિયા ઘરમાં રહે એટલું મારા પર કોઈનું ઋણ ચઢે જે મારે જોઈતું નહોતું.’

પ્રકાશભાઈએ રૂપિયા ભરેલી બેગ મળી છે એ અંગેની જાહેરાત સ્થાનિક અખબારમાં આપી અને એ જાહેરાત વાંચીને રાજકોટના પવન કન્સ્ટ્રક્શનના માલિક દિલીપ પટેલે સંપર્ક કર્યો. આ બેગ એવી રીતે ખોવાઇ કે, એક મિલકત ખરીદવા માટે નાણા લઈને નીકળ્યા પછી તેમનાથી આ બેગ પડી ગઈ હતી. યોગ્ય તપાસ અને શહેરની પાંચ જાણીતી વ્યક્તિની હાજરીમાં પ્રકાશભાઈએ એ રૂપિયા મૂળ માલિકને પાછા આપ્યા. પ્રામાણિકતાની પરાકાષ્ટા તો એ રહી કે પ્રકાશભાઈએ ઇનામ લેવાને બદલે અખબારમાં જે જાહેરખબર આપી હતી તેનું બિલ પણ લીધું નહીં. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter