અમરેલી: ખાંભા ગામ પાસે આવેલા ગીરના જંગલમાં ભૂલું પડી ગયેલું સિંહનું બચ્ચું ફરતું-ફરતું ખાંભા ગામમાં પહોંચી ગયું છે. આ સિંહબાળની માતાને શોધવા માટે ચાલીસ ફોરેસ્ટ ઓફિસરની ટીમ કામે લાગી છે અને ગીરના જંગલમાં ખૂણે ખૂણામાં બચ્ચાની માતાને શોધાઈ રહી છે. બચ્ચાંની માતાને શોધવા માટે સિંહબાળને પણ સાથે લઈ જવાય છે જેથી એના અવાજથી તેની માતાનું ધ્યાન એની તરફ ખેંચાય. સિંહનું બચ્ચું જો એકલું રહી જાય તો બીજાં પ્રાણીઓ એને મારી નાંખે એટલે એની સાથે રહેવું પડે.
બીજી મહત્ત્વની વાત એ છે કે કુટુંબથી છૂટું પડી ગયેલું આ બચ્ચું એકલું પડ્યા પછી કંઈ ખાતું-પીતું પણ ન હોવાથી એને તાત્કાલિક રીતે એના પરિવાર પાસે પહોંચાડવું જરૂરી છે. આ પેરન્ટ્સને શોધવા માટે જે ચાલીસ ઓફિસર અને વનકર્મીઓની ટીમ બનાવાઈ છે એ ટીમ જંગલમાં અલગ-અલગ ફરે છે. બચ્ચું એક જ હોવાથી એક ટીમ પાસે બચ્ચું રખાય છે, જ્યારે બીજી ટીમ એ બચ્ચાંના અવાજનું મોબાઇલ રેકોર્ડિંગ લાઉડસ્પીકરમાં વગાડે છે અને એના પરિવારને આકર્ષવાનું કામ કરે છે.