બુટ ચપ્પલ સીવીને ગુજરાન ચલાવતા મોચીને આવકવેરાની નોટિસ!

Wednesday 05th April 2017 07:39 EDT
 
 

જૂનાગઢઃ નોટબંધી પછી બેંકોનાં આર્થિક વ્યવહારો અંગે આવકવેરા વિભાગે નોટિસો ફટકારવાની શરૂ કરી છે તેમાં ક્યારેક થતા ગોટાળા સામાન્ય માણસને મુશ્કેલીમાં મૂકી દે છે. જૂનાગઢ શહેરના એમ. જી. રોડ ઉપર મજમુદારના ડેલાની પડખે જ છેલ્લા પચ્ચીસેક વર્ષથી મનસુખભાઈ રામજીભાઈ મકવાણા રસ્તા પર બેસીને બુટ-ચપ્પલને ટાંકા મારવાનું કામ કરે છે. સાવ સામાન્ય આર્થિક સ્થિતિના આ મોચીને પણ તાજેતરમાં આવકવેરાની નોટિસ મળી છે. જૂનાગઢ ઈડી દ્વારા ઈશ્યુ કરાયેલી આ નોટિસમાં રૂ. ૧૦ લાખના બેંક વ્યવહારો અંગેનો ખુલાસો માગવામાં આવ્યો છે! જોકે આ વૃદ્ધ મોચી કહે છે કે, તેણે તો જીવનમાં ક્યારેય આટલા બધા રૂપિયા એકસાથે જોયા પણ નથી. હવે ઈડી એ તપાસમાં છે કે પોતાના વિભાગે નોટિસ આપવામાં કોઈ છબરડો વાળ્યો છે કે પછી આ વૃદ્ધની જાણ બહાર તેના બેંક ખાતાનો કોઈએ ઉપયોગ કર્યો છે?
કવર ખૂલ્યું ને આભ ફાટ્યું
થોડા દિવસો પહેલા ટપાલીએ મનસુખભાઈને એક કવર આપ્યું. કવર પર જૂનાગઢ આવકવેરા વિભાગની કચેરીનું સરનામું હતું. મનસુખભાઈએ કવર ખોલતાં જ તેમાંથી અંગ્રેજી અને હિન્દી ભાષામાં લખાયેલી નોટિસ નીકળી. તેમણે આસપાસના લોકોને પૂછતા જાણવા મળ્યું કે, આ નોટિસ આવકવેરા વિભાગની છે અને તેમનાં બેંકના ખાતામાં થયેલા રૂ. ૧૦ લાખથી વધુના વ્યવહારો અંગેના આધાર-પુરાવા માગવામાં આવ્યા છે! દરરોજ રૂ. ર૦૦-રરપની કમાણી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આ વૃદ્ધ પર તો જાણે આભ ફાટયું કે આટલી મોટી રકમના વ્યવહારો અંગે કેમ નોટિસ આવી? વળી, નોટિસમાં ચેતવણી હતી કે, જો યોગ્ય ખુલાસો નહીં કરાય તો કાયદા અનુસાર કાર્યવાહી થશે.
ટીંબાવાડીમાં રહેતા મનસુખભાઈ જણાવે છે કે, બે બેંકમાં તેમનાં ખાતાં છે. એક એકાઉન્ટ ઈન્ડિયન બેંકમાં છે અને બીજું જનધન યોજના હેઠળ બેંક ઓફ બરોડામાં છે. હવે આ નોટિસ ક્યા ખાતા માટે મળી છે તેનો તેમને પણ ખ્યાલ નથી. આ વૃદ્ધનો પુત્ર પણ તેના પિતાની માફક બુટ-ચપ્પલનું જ કામ કરે છે. તેની પણ સાવ સામાન્ય આર્થિક સ્થિતિ છે. મનસુખભાઈ જણાવે છે કે તેમની પાસે પાનકાર્ડ પણ નથી. મનસુખભાઈએ જોકે જૂનાગઢના આવકવેરા વિભાગના અધિકારીઓ સુધી સંપર્ક કરીને પોતાની હકીકત જણાવી છે. આવકવેરા વિભાગને હવે શંકા છે કે આમાંથી કોઈ મોટું કૌભાંડ બહાર આવી શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter