બેટ દ્વારકામાં રૂકમણિજી અને તુલસીજીનાં દ્વારકાધીશ સાથે ધામધુમથી વિવાહ કરાયાં

Friday 11th November 2022 05:52 EST
 
 

ખંભાળિયાઃ કારતક સુદ અગિયારસ - ચોથી નવેમ્બરે કૃષ્ણભક્તો દ્વારા તુલસી વિવાહનો ધાર્મિક પ્રસંગ દ્વારા ખૂબ જ ઉમંગ-ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. જોકે યાત્રાધામ બેટ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના લગ્ન અનોખી રીતે કરવામાં આવે છે. સૈકાઓ જૂની પરંપરા અનુસાર, દ્વારકાવાસીઓએ અગિયારસના દિવસે ભગવાનની 16,108 પટરાણીઓમાંથી રાણી રૂકમણીજી અને તુલસીજીની સાથે ધામધુમથી લગ્ન યોજ્યા હતા.
ભગવાન દ્વારકાધીશની પાલખીયાત્રીમાં જાન નીકળી હતી તો સામે કન્યાપક્ષોએ પણ જાનનું વાજતેગાજતે સામૈયું કરીને ધામધુમથી બંને સાથે દ્વારકાધીશના લગ્ન કરાવાયા હતા.
ઉલ્લેખનીય છે કે યાત્રાધામ બેટ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશનું ઘર એટલે કે રાણીવાસ આવેલો છે. વર્ષ દરમિયાન લાખો યાત્રિકો અહીં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
દર વર્ષની જેમ દિવાળી પછી દેવ ઉઠી અગિયારસનાં દિવસે તુલસી વિવાહનો ધાર્મિક ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. આ વર્ષે પણ દ્વારકાધીશના પૂજારી પરિવાર અને બેટનાં નગરજનોએ માતા તુલસીની સાથે દ્વારકાધીશના રૂકમણીજીના પણ ભગવાન દ્વારકાધીશ સાથે શુભ વિવાહનો પ્રસંગ ઉમંગ ઉલ્લાસ અને ધામધૂમ પૂર્વક ઉજવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter