બોગસ પાસપોર્ટ કાંડમાં યુકે સિટીઝનની સંડોવણી

Wednesday 23rd August 2017 10:47 EDT
 
 

અમદાવાદઃ દીવ, દમણ અને ગોવાના નાગરિકોના દસ્તાવેજોની મદદથી ભારતીય પાસપોર્ટ કઢાવી આપી વિદેશ વાંચ્છુઓને યુરોપ મોકલી આપતી ગેંગમાં યુકે સિટીઝન સામેલ હોવાનો ખુલાસો થયો છે. એટીએસએ ઝડપી પાડેલા ચાર આરોપીઓને અદાલતે વધુ તપાસ માટે ૨૧મીએ સાત દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે.
એટીએસની ટીમે બાતમીના આધારે કાંડના સૂત્રધાર અમદાવાદમાં આવેલા રાણીપના જીતેન્દ્ર રમેશબાઈ પટેલ અને મોટી દમણના પ્રવીણ શંકરબાઈ માંગેલાને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી કુલ આઠ ભારતીય જાલી પાસપોર્ટ મળ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં ખૂલ્યું કે, વિદેશ વાંચ્છુઓને અન્ય વ્યક્તિના નામે કઢાવાયેલા પાસપોર્ટ પર પોર્ટુગલના વિઝા અપાવાતા પછી યુરોપ મોકલવાનું રેકેટ ચાલતું હતું. આ રેકેટમાં મૂળ પોરબંદર અને હાલ યુકેમાં રહેતા પ્રતાપ નામના માણસની પણ સંડોવણી બહાર આવી છે. તે યુરોપ ગયેલા લોકોને એક દેશમાંથી બીજા દેશમાં મોકલી આપવાનું તેમજ જાલી વિઝા પાસપોર્ટ પર તેમને યુરોપમાં સ્થાયી કરવામાં મદદ કરતો હોવાનું કહેવાય છે.
આ ઉપરાંત વિદેશ જવા ઇચ્છતા કેટલાય લોકો પાસેથી લાખો રૂપિયા લઈને તેમને દીવ, દમણ અથવા ગોવાના નાગરિક દર્શાવીને મુંબઈનો એજાજ મહેમદ ઉર્ફેદ ખાલીદ ભારતીય પાસપોર્ટ તૈયાર કરાવી આપતો હતો. દીવ, દમણ અને ગોવામાં રહેતા લોકોને આસાનાથી પોર્ટુગલનું નાગરિકત્વ મળે છે તેમજ વિઝા મળે છે. જેનો લાભ લઈને અમદાવાદનો સંજય હરીભાઈ પટેલ યુરોપના વિઝા કરાવી આપતો હતો. એટીએસએ ખાલીદ અને સંજયને ઝડપી લઈ રેકેટમાં પાસપોર્ટ ઓફિસ કે ઇમિગ્રેશન સ્ટાફની સંડોવણી છે કેમ તેમની તપાસ આરંભી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter