ભાઈ પર હુમલા પછી દેખાવો કરતાં રાજ્યગુરુની અટકાયત અને મુક્તિ

Wednesday 06th December 2017 06:28 EST
 
 

રાજકોટ: બીજી ડિસેમ્બરે રાત્રે બેનર લગાડવા અને કાઢવા બાબતે રૈયારોડ પરના બ્રહ્મસમાજ ચોકમાં કોંગ્રેસી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ દિવ્યનીલ રાજ્યગુરુ પર લાકડાના ધોકાથી હુમલો થયો હતો. દિવ્યનીલ પર હુમલો થયાની જાણ તેમના ધારાસભ્ય ભાઈ ઇન્દ્રનીલ રાજ્યગુરુને થતાં તેઓ અન્ય કોંગ્રેસી આગેવાનો તેમજ કાર્યકરો સાથે બ્રહ્મસમાજ ચોકમાં દોડી ગયા હતા. ઈજાગ્રસ્ત દિવ્યનીલને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને દિવ્યનીલ પર હુમલો કરનારા રાજેશ રામ ડાંગર, રણછોડ ભરવાડ, સંજય પંચાસરા, વિઠ્ઠલ વડોદરિયા અને સુરેશ વશરામ ચુડાસમાની ધરપકડ કરાઈ હતી અને તેમના અન્ય સાગરીતોની શોધખોળ શરૂ થઈ હતી. બીજી તરફ દિવ્યનીલ પર હુમલો થતાં ઇન્દ્રનીલ તથા તેમના સાથીદારોએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ઘરે નારેબાજી શરૂ કરી કરતાં ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિત ૨૦૦થી ૨૫૦ માણસોના ટોળા સામે ફરજમાં રૂકાવટ કર્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. મુખ્ય પ્રધાનના ઘર પાસે પોલીસ તથા એસઆરપી બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ, મહેશ રજપૂત, ભાવેશ બોરીચા, મિતુલ દોંગા, જગદીશ મોરી સહિતનાને અટકાયતમાં લેવાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter