જૂનાગઢઃ સમગ્ર ભારત ૧૫ ઓગસ્ટના રોજ આઝાદ થયું હતું, પરંતુ જૂનાગઢ તેના ૮૪ દિવસ બાદ એટલે ૯મી નવેમ્બર, ૧૯૪૭ના રોજ આઝાદ થયું હતું. આજે પણ કેટલાક ઇતિહાસવિદોના કાગળોમાં ૯મી નવેમ્બરને જૂનાગઢનો સ્વતંત્રદિન તરીકે ઉલ્લેખવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે, ભારતમાં જૂનાગઢ મોડું આઝાદ થયું હતું, પરંતુ ભારતીય બંધારણ મુજબનું સૌ પ્રથમ મતદાન જૂનાગઢમાં થયું હતું. સમગ્ર દેશ ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના આઝાદ થયો હતો. પરંતુ જૂનાગઢમાં નવાબી શાસને ભારતમાં જોડાવાની જાહેરાત ૮૪ દિવસ બાદ કરી હતી અને હિન્દ સંઘ વતી નીલમ બુચના હુકમથી કાઠિયાવાડ ડિફેન્સ ફોર્સના કમાન્ડર ગુરદયાલ સિંઘે ૯મી નવે.ના રોજ જૂનાગઢનો કબજો લીધો હતો. આ અંગેનું જાહેરનામું ત્યારના રાજકોટના સ્થાનિક કમિશ્નર નીલમ બુચે સાંજે છ વાગ્યે બહાર પાડયું હતું અને તે પછી ૧૦ નવે. ૧૯૪૭નાં હિંદ સંઘ એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરી હતી. તે સમયે જૂનાગઢે અને તેના રહેવાસીઓએ ભારતમાં જોડાવું કે પાકિસ્તાનમાં તે માટે લાલ અને લીલી પેટીમાં મત આપીને નક્કી કરવાનું હતું. ત્યારે ૯૪.૯૫ ટકા થયેલા મતદાનમાંથી ૯૯.૯૫ ટકા ભારત તરફી મતદાન થયું હતું. એવું જૂનાગઢના ઈતિહાસવિદ નૌતમભાઈ દવેએ જણાવ્યું હતું.
• ગિરનાર રોપ-વેને સુપ્રીમ કોર્ટની મંજૂરીઃ ગિરનાર રોપ-વે આડે ગીધની સલામતીનો પ્રશ્ન વર્ષોથી નડતો હતો. જેના માટે ઉષા બ્રેકો કંપનીએ સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી સમક્ષ એવી રજૂઆત મૂકી કે, ગીધ રોપ-વેના માર્ગમાં ઊડતું દેખાય તો તુરંત જ ટ્રોલી રોકી દેવા સીસીટીવી કેમેરાની જોગવાઈ કરી શકાય અને ગીધને જંગલમાં ખોરાક માટે ભટકવું ન પડે એ માટે રોપ-વેથી જુદી જ દિશામાં કાફેટેરિયા, કૃત્રિમ માળાની જોગવાઈ કરી શકાય. કંપનીના નિર્ણયને સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીએ વધાવતાં સુપ્રીમ સમક્ષ રજૂ કર્યો અને કોર્ટે કંપનીના પગલાંને બહાલી આપતાં ગિરનાર રોપ-વેના પ્રોજેક્ટને મંજૂરી આપી.
• ભાણવડ પાસે નજીવી બાબતે ચારની હત્યાઃ ભાણવડ તાલુકાના હાથલા ગામે ૧૩મી નવેમ્બરે રાત્રે ગામના મજબૂતસિંહ રણુભા જેઠવાની દુકાને નાબકા ગામના ચારપથી પાંચ જેટલા મેર શખ્સો પાન ખાવા માટે ગયા હતા ત્યારે જૂની અદાવતમાં બોલાચાલી થતાં હાથાપાઈ થયા પછી રાજુનાથા રાણાવાયાએ અન્ય મેર શખ્સો સાથે મળીને મજબૂતસિંહની હત્યા કરી નાંખી હતી. હાથલા ગામની સીમમાં આવેલી મજબૂતસિંહની દુકાને બનેલી આ ઘટના અંગે ગામના દરબારોને જાણ થતાં દરબાર જૂથ તલવાર, છરી, લોખંડના પાઇપ સહિતના ઘાતક હથિયારો સાથે દોડી ગયું હતું અને મજબૂતસિંહની હત્યા કરનારા રાજુનાથા રાણાવાયા સહિતના શખ્સો ઉપર તૂટી પડ્યું હતું. જેમાં રાજુનાથા ઉપરાંત હરનામ સાંગાભાઈ ઓડેદરા અને અજાણ્યા શખ્સની હત્યા કરી હતી.
• મુસ્લિમ પરિવારે સોમનાથમાં જળાભિષેક કર્યોઃ મહારાષ્ટ્રના ભિંવડીમાં રહેતા અબ્દુલરસીદ હસનભાઈએ તેમના પરિવાર સાથે સોમનાથ મંદિરમાં જળાભિષેક ફરી પૂજા અર્ચના કરી હતી. ઉલ્લેખનીય છે કે, સોમનાથ ટ્રસ્ટ દ્વારા બિનહિંદુઓને મંદિરમાં પ્રવેશ માટે મંજૂરી લેવી પડશે તેવું બનેર થોડા સમય પહેલાં જ મંદિર પરિસરમાં લગાડવામાં આવ્યું હતું, જેનો વિવાદ થયો હતો. અબ્દુલરસીદ હસનભાઈએ મંદિર ટ્રસ્ટની મંજૂરી લઈ સહપરિવાર સાથે મહાદેવના દર્શન કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, દેશમાં ભલે જાતપાતના નાનામોટા ભેદભાવ હોય, પરંતુ આખી સૃષ્ટિ ઇશ્વરે રચેલી છે અને દરેક મુસ્લિમોએ અહીં આવવું જોઈએ તથા મંદિરમાં દર્શન કરી તેની ભવ્યતા નિહાળવી જોઈએ. અમે અગાઉ ૨૦૦૨માં પણ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા હતા.
• ઓર્ગેનિક મગફળીનો પાકઃ ગોંડલ પંથકના વ્યવસાયે વકીલ એવા શિવલાલ પી. ભંડેરીને વકીલાતની સાથોસાથ ખેતીમાં ખૂબ જ રુચિ છે. મોવીયા ગામ ખાતે આવેલા તેમના દોઢ વિઘા ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. મગફળીના ખાતર તરીકે ગાયના છાણ, મૂત્ર, જીવામૃત્ર, વિવિધ લીલી વનસ્પતિઓનો ચૂરો, લસણનો ભૂકો, લોકંડ તાંબાના વેરના પાણી વગેરેનો ઉપયોગ કરીને પાકનો
ઉછેર કર્યો હતો. જેનાથી મગફળીનાં છોડ આશરે બે ફૂટ ઊંચા અને ચારેક ફૂટ પહોળા થયા હતા
અને સંપૂર્ણ તંદુરસ્ત અને રોગમુક્ત ૮૦ મણ મગફળી થઈ હતી. ભંડેરીએ આત્મસૂઝથી લીમડો, આંકડો, મરચી વગેરેના ઉપયોગથી હર્બલ દવાઓ બનાવી હતી અને તેનો પણ મગફળીના વાવેતરમાં છંટકાવ કર્યો હતો.