ભાવનગરઃ ૨૦૦૯ની સાલમાં સોમનાથ ખાતે અમિતાભ બચ્ચન સાથે મુલાકાત કરીને ભાવનગર નિવાસી અને બિગ-બીના હમશકલ પિનાકીન ગોહિલે તેમની પ્રતિમા તૈયાર કરવાનું સ્વપ્ન સેવ્યું હતું એ સપનું હવે સાકાર થયું છે. ભાવનગરમાં અમિતાભ બચ્ચનનું સૌપ્રથમ સ્ટેચ્યુ બન્યું છે. જે લંડનના પ્રખ્યાત મેડમ તુસાદ મ્યુઝિયમ બાદ બીજા નંબરનું પૂતળું છે. પિનાકીનભાઈએ જણાવ્યું હતું કે, મુંબઈમાં આવેલા અમિતાભ બચ્ચનના જલસા બંગલોમાં તેમના જ હસ્તે પ્રતિમાનું લોકાર્પણ કરાયું છે. મેડમ તુસાદમાં મીણથી પૂતળું બનાવ્યું છે જ્યારે ભાવનગરમાં પ્લાસ્ટર ઓફ પેરિસથી તેનું નિર્માણ કરાયું છે. ૧૧ ઓક્ટોબર, ૨૦૧૬ના દિવસે બચ્ચનના ૭૪મા જન્મદિવસ નિમિત્તે ભાવનગરમાં આ સ્ટેચ્યુ વિધિવત રીતે ખુલ્લુ મુકાશે. ઉપરાંત શહેરમાં બિગ-બીનું મ્યુઝિયમ પણ બનાવાશે.