સુરેન્દ્રનગરઃ શ્રદ્ધાળુઓ વિવિધ મંદિરો કે ધાર્મિક સ્થળોએ પોતાની માનતા પૂર્ણ થાય એટલે ત્યાં જુદી જુદી ભેટ ધરાવવાની માનતા રાખતા હોય છે. પરંતુ સૌરાષ્ટ્રમાં એક મંદિર એવું છે જ્યાં બાળકની ભેટ ધરવામાં આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં દૂધઇ ગામમાં પ્રાચીન વડવાળા મંદિરમાં લીલા નાળીયેરનાં નામથી આ પરંપરા જાણીતી છે. વડવાળા મંદિરની પ્રથા મુજબ અત્યાર સુધીમાં ૨૫૦ જેટલા બાળકોને મંદિરમાં અર્પણ કરવામાં આવ્યા છે. તેમાંથી યુવાન થયા બાદ ૧૫૦ બાળકો સંસારમાં પાછા ફર્યા છે અને ૧૦૦ જેટલા બાળકોએ સાધુ થવાનું પસંદ કર્યું હતું. મંદિરના ગાદીપતિ તરીકે આવા બાળકોને સ્થાન આપવામાં આવે છે.
દૂધઇમાં રબારી સમાજની પવિત્ર વડવાળા દેવનું સ્થાનક છે. ભારતભરમાં મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો માટે શ્રદ્ધાના આ કેન્દ્રમાં બાળકને અર્પણ કરવાની અનોખી પરંપરા છે. લીલા નાળીયેરના નામથી જાણીતી પરંપરા મુજબ તાજેતરમાં કચ્છ જિલ્લાનાં ટીડાણા ગામના મનાભાઇ રબારીએ પોતાના એક વર્ષનાં દીકરાને મંદિરમાં અર્પણ કર્યો હતો. બાળકને મંદિર તરફથી ઉચ્ચ શિક્ષણ આપવામાં આવશે. બાળક શિક્ષણ મેળવે ત્યારે પરિવારજો તેને મળી શકે છે. આ પ્રથા અંગે કહેવાય છે કે, રબારી સમાજમાં કોઇને સંતાન ન થતું હોય ત્યારે દેવની જગ્યામાં બાળક અર્પણ કરવાની બાધા રાખવામાં આવે છે. અને બાધા પૂર્ણ થયા બાદ બાળકને મંદિરમાં અર્પણ કરે છે. આ સ્થાનકના મહંત રામબાલકદાસે જણાવ્યું હતું કે, અહીં બાળકને ઉચ્ચશિક્ષણ અપાય છે. યુવાન થયા બાદમાં સંસારી થવું કે સાધુ તે પસંદ કરવાની તેને છૂટ આપવામાં આવે છે.