માણાવદરના ભવ્ય ભૂતકાળની સાબિતી સમાન રાજમહેલ ખંડેર

Wednesday 09th May 2018 07:18 EDT
 
 

માણાવદરઃ માણાવદર શહેર એક સમયે ૨૪ (ચોવીસી) કહેવાતું એટલે કે ૨૪ ગામોનું રાજ્ય ગણાતું હતું. આજે આ શહેરમાં રાજાશાહી વખતનો ઐતિહાસિક સંભારણારૂપ રાજમહેલ તંત્રની બેદરકારીથી ખંડેર સમો બન્યો છે. સરકાર હસ્તકના રાજમહેલની કોઇ જ જાળવણી આઝાદી બાદ થઇ નથી. આથી આ રાજમહેલની જાળવણી કરવા માગ કરાઇ છે.
૧૯૪૭માં ૧૫મી ઓગસ્ટે ૫૬ રાજ્યો આઝાદ થયા હતા. પરંતુ જે તે વખતે માણાવદર રાજ્ય રજવાડાની નેજા હેઠળ જળવાયેલું હતું. તે વખતના નવાબ ગુલામ મોઇનુદિન ખાનજીએ ભારત સંઘમાં જોડાવાની ના પાડતા પ્રશ્ન ઉભો થયો હતો. નવાબને સમજાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યાનું કહેવાય છે. જેથી સરદાર વલ્લભભાઇ પટેલ અને આગેવાનોએ અંતે ભારતીય લશ્કરને સાથે લઇ માણાવદર તરફ પ્રયાણ કર્યું અને ૨૨-૧૦-૧૯૪૭ના દિવસે ભારતીય લશ્કર તત્કાલીન કર્નલ હેમંતસિંહજીની આગેવાની હેઠળ ૧૭ જેટલા વાહનોમાં કાફલા સાથે સવારના પાંચ વાગ્યે હાલના ખંડર અને તે વખતના જાહોજલાલીવાળા જોરાવર બાગમાં નવાબને ઉંઘતા જ ઘેરી લીધા હતા. આની જાણ થતા કહેવાય છે કે નવાબનું કુટુંબ પાછળના દરવાજેથી ૨૦ લાખના જર જવેરાત લઇ ભાગી કેશોદ થઇ વિમાન માર્ગે કરાચી ગયું હતું.
બીજી એવી વાત કહેવાય છે કે જોરાવર બાગમાં લશ્કરે નવાબની અટકાયત કરી અને તેને લઇ નવનાલા પુલ પાસે આવ્યા ત્યારે નવાબના બંગલામાં નોકરી કરતા બારકરખા નામનો પઠાણ નવાબના બંગલા તરફ જતો જોઇ લશ્કરી જવાનોએ રોકવા પ્રયત્ન કર્યો, વારંવાર ચેતવણી આપવા છતાં ન અટકતા પાછા વળવા અવાજો કર્યા તેના જવાબમાં પઠાણે તેની પાસેની જામગરી બંદૂક હાથમાં લઇ દારૂ-ગોળો ભરવાનું શરૂ કર્યું હતું. આ જોઇ લશ્કરી જવાનોએ તેના ઉપર ફાયરિંગ કર્યું તેને મોતને ઘાટ ઉતાર્યો.
કર્નલ હેમંતસિંહજીએ જરૂરી પ્રક્રિયાઓ પૂરી કરી સાંજના પાંચ વાગ્યે ગાંધી ચોકમાં રહેલા નવાબની તિજોરીનો કબજો સંભાળ્યો ત્યાં ચેરમેન તરીકે વાય. જી. મારુની નિમણૂક કરી નવાબના આશરે ૨૫ લાખ જેવી રકમના બોન્ડ પેપર હતા જે જપ્ત કરી નવાબની અટકાયત કર્યા બાદ તેને કરાંચી રવાના કર્યા હોવાનું કહેવાય છે. આમ ૨૨ ઓક્ટોબર ૧૯૪૭ના દિવસે આઝાદી મળી. શહેરમાં આજે ભવ્ય ભૂતકાળ ધરાવતી અનેક ઇમારતો ખંડેર હાલતમાં છે તેની જાળવણી કરવી જરૂરી છે. જેથી આવનારી પેઢી ભવ્ય ભૂતકાળ જોઇ શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter