માણેકપરમાં ક્યારેય પોલીસ ફરિયાદ જ નહીં

Wednesday 16th May 2018 07:15 EDT
 
 

ધ્રોલઃ વર્તમાન સમયમાં શહેર હોય કે ગામડું ગુનાખોરીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતાં લોકોને અસલામતીનો ભય સતાવે છે. આ સ્થિતિમાં ધ્રોલ તાલુકાનું માણેકપર ગામ ઉમદા ઉદાહરણ સમાન છે. આ ગામમાં આઝાદી પછી અત્યાર સુધી એકપણ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. ગામના માજી સરપંચ દેવજીભાઇ ચાવડા જણાવે છે કે, સુશાસન અને ભાઇચારાનું આ ગામ ઉત્તમ ઉદાહરણ છે. પ્રશ્ન નાનો હોય કે મોટો દર મહિને મળતી ગ્રામસભામાં તેને નિકાલ કરવામાં આવે છે. પોલીસ ફરિયાદ સુધી વાત પહોંચતી નથી અને એવા બનાવ પણ બનતા નથી.
આજનાં સમયમાં લોકો ગામડા છોડી શહેરમાં વસવાટ કરવા જાય છે ત્યારે નાના એવા માણેકપર ગામમાં શહેર જેવી જ સુવિધાઓ ગ્રામજનો દ્વારા ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને ગામનાં સ્થાનિક તેમજ ગ્રામજનો વચ્ચેના આંતરિક પ્રશ્નોનાં નિરાકરણ માટે દર મહિને સરપંચ, તલાટી મંત્રી અને ગામ આગેવાનોની હાજરીમાં ગામનાં ચોરે ગ્રામસભા મળે છે. જેમાં તમામ નાનામોટા પ્રશ્નોનું નિરાકરણ કરી વિકાસનાં કામોની ચર્ચાઓ થાય છે.
ભાઈચારાથી વહીવટ
૬૨૬ લોકોની વસ્તી ધરાવતા ગામમાં જ્ઞાતિવાદ નહીં ભાઇચારાથી વહીવટ ચાલે છે. સામાન્ય રીતે કોઇપણ ચૂંટણીમાં જ્ઞાતિવાદને આધારે ઉમેદવારોની પસંદગી અને મતદાન થાય છે, પરંતુ નિર્મળગ્રામનાં પુરસ્કારથી પુરસ્કૃત અને ૯૫ ટકા સાક્ષરવાળા ૧૮૨ કુટુંબ સાથે ૬૨૬ લોકોની વસ્તી ધરાવતા માણેકપર ગામમાં જ્ઞાતિવાદને સ્થાન નથી. કારણ કે ગામમાં મોટાભાગની પટેલની વસ્તી હોવા છતાં ૨૦૦૧થી ૨૦૧૬ સુધી સરપંચ પદે ચાર ટર્મ સુધી અનુસુચિત જાતિનાં સરપંચ હતાં. તેમજ ૨૦૧૨થી ૨૦૧૬ સુધી ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત આઠેય મહિલા સભ્યોની બોડી હતી. જે દરમિયાન અનેક વિકાસ કામો થયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter