મેગા પ્રોજેક્ટ થકી સમૃદ્ધ-સ્વસ્થ-સશક્ત રાષ્ટ્રમાર્ગનું નિર્માણઃ મોદી

Thursday 29th February 2024 04:44 EST
 
 

રાજકોટ: જિંદગીની સૌપ્રથમ ચૂંટણી રાજકોટમાંથી લડનારા અને જીતનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ ઋણ ભૂલ્યા નથી. રવિવારે રાજકોટમાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં ‘એઇમ્સ’ (ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ)નું ઉદ્ઘાટન સહિત ગુજરાતના રૂ. 35,700 કરોડના લોકાર્પણ-ખાતમુહુર્ત કર્યું હતું. તેમણે વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે મેં ભારત સરકારને દિલ્હીથી બહાર કાઢીને દેશના ખુણે ખુણે અને આજે રાજકોટ પહોંચાડી છે.
તેમણે રાજકોટના ઋણને ભાવપૂર્વક સ્મરણ કર્યું અને દરિયામાં ડુબેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકાનગરીના દરિયાના પેટાળમાં જઈને દર્શન કરવાની પોતાની વર્ષો જુની ઈચ્છા પૂરી થઈ તે દિવ્ય અનુભૂતિને વર્ણવવા મારી પાસે શબ્દો નથી તેમ કહી ભાવવિભોર થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકામાં સુદર્શન સેતુ સહિત લોકાર્પણો બાદ રાજકોટના જામનગર રોડ પર પરાપીપળીયા પાસે આવેલ ‘એઈમ્સ’નું લોકાર્પણ કર્યું હતું. બાદમાં જૂના એરપોર્ટથી તેમનો ભવ્ય રોડ શો યોજાયો હતો. રાસગરબા સાથે 21 સ્ટેજ પરથી તથા ઠેર ઠેર પુષ્પવર્ષાથી તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને રાજકોટની સાથે સાથે દેશના પાંચ જુદા જુદા રાજ્યોમાં પણ ‘એઇમ્સ’નું લોકાર્પણ કર્યું હતું.
દસ દિવસમાં 7 ‘એઇમ્સ’નું લોકાર્પણ
રાજકોટમાં અર્ધી કલાકના પ્રાસંગિક ઉદ્બોધનમાં તેમણે વધુમાં જણાવ્યું એક સ્થળેથી દેશના અનેક સ્થળોના લોકાર્પણોથી નવી પરંપરા અમે શરૂ કરી છે. અબજો રૂપિયાના મેગા પ્રોજેક્ટોથી સમૃદ્ધ, સ્વસ્થ અને સશક્ત રાષ્ટ્રનો માર્ગ અમે કંડાર્યો છે. વિકસીત ભારતનું સ્વાસ્થ્ય સ્તર અમે સુધાર્યું છે, આઝાદીના પચાસ વર્ષ સુધી એક જ ‘એઈમ્સ’ હતી અમે 10 દિવસમાં 7 ‘એઈમ્સ’ના લોકાર્પણ, ખાતમુહુર્ત કર્યા છે. આજે રાજકોટ ઉપરાંત ભટીંડા, રાયબરેલી, પશ્ચિમ બંગાળના કલ્યાણી, હરિયાણાના મંગલગીરી સહિત પાંચ ‘એઈમ્સ’નું લોકાર્પણ કરીને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે રાયબરેલીમાં કોંગ્રેસે રાજનીતિ કરી, પણ મોદીએ કામ કર્યું છે. ભૂતકાળના શાસકો માટે કૌભાંડ, ગોટાળા કરતા હતા, નિયત અને નિષ્ઠામાં ખોટ હતી તેથી કામ થતા ન્હોતા. દેશના હિતને બદલે એક જ પરિવારને આગળ વધારવાનું કામ કર્યું.
આત્મવિશ્વાસથી છલકાતા વડાપ્રધાને કહ્યું દેશ ત્રીજી વખત એનડીએ સરકાર બને તેવા આશીર્વાદ આપી રહ્યો છે, જ્યાં બીજાની ઉમ્મીદ ખતમ થાય છે ત્યાં મોદીની ગેરેંટી શરૂ થાય છે. મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી.
વિશ્વનું પ્રથમ પરંપરાગત ચિકિત્સા કેન્દ્ર
આયુર્વેદને સરકાર દ્વારા અપાતા મહત્વ અંગે તેમણે કહ્યું અમે આધુનિક ચિકિત્સા અને પરંપરાગત ચિકિત્સાને સમાન કરી છે. જામનગર પાસે વિશ્વનું પ્રથમ પરંપરાગત ચિકિત્સાનું કેન્દ્ર શરુ થનાર છે. યોગ, આયુષ અને સ્વચ્છતા ઉપર અમે ભાર મુક્યો છે. 23 રાજ્યોમાં 200થી વધુ હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો શીલાન્યાસ કર્યો છે. અનેક ગણી ગતિથી દેશનો વિકાસ થઈ રહ્યો છે. જનૌષધિ કેન્દ્રોથી દેશની જનતાના 30 હજાર કરોડનો દવા ખર્ચ બચ્યો, ઉજ્જવલા યોજનાથી 18 હજાર કરોડ બચ્યા, મોબાઈલ ડેટામાં દરેકના ચાર હજારનો બિલ મહિને બચે છે અને હજુ પીએમ સૂર્યઘર યોજનાથી અમે 300 યુનિટ સુધીની વિજળી લોકોને ફ્રી મળે તેવી યોજના અમલી કરી છે. તેમાં બચત અને કમાઈ બન્ને થશે. આ સાથે તેમણે સરકારની વિવિધ સિધ્ધિઓ વર્ણવી હતી.
દિવ્ય અનુભૂતિ અવર્ણનીય
દ્વારકાના પંચકુઈ બીચ પર સંગમ ઘાટ પાસે મોદીએ સ્કુબા ડાઈવીંગ કરીને દરિયામાં ડુબેલી પ્રાચીન દ્વારિકા નગરીના દર્શન કર્યા હતા. રાજકોટમાં ભાવવિભોર થઈને તેમણે કહ્યું લાંબા સમયથી મારી ઈચ્છા હતી કે દ્વારકામાં ડુબેલી દ્વારકાના દર્શન કરું. ભગવાન શ્રી કૃષ્ણએ નિર્માણ કરેલ આ પુરાતન નગરીની મેં પૂજા કરી, સ્પર્શ કર્યો, મોરપંખનો સ્પર્શ કરાવ્યો ત્યારે મને દિવ્ય અનુભૂતિ થઈ તે વર્ણવી શકતો નથી. ભારતના પ્રાચીન સમયમાં વિકાસનું સ્તર કેટલું ઉંચુ હતું તેના આ દર્શન કરાવે છે.
રાજકોટ સાથે જોડાયેલી છે જૂની યાદો
આજે રાજકોટમાં ઘણું જૂનું યાદ આવે છે, મારા જીવનનો ગઈકાલે (24 ફેબ્રુઆરીએ) વિશેષ દિન હતો જ્યારે હું પ્રથમ ચૂંટણી રાજકોટથી જીત્યો હતો. રાજકોટે મને પહેલી વાર ચૂંટયો. અને બરાબર 22 વર્ષ પહેલા આજના દિવસ - 25 ફેબ્રુઆરીએ મેં પ્રથમવાર ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય પદના શપથ લીધા હતા. પેઢીઓ બદલાઈ ગઈ પણ મોદી માટેનો તમારો સ્નેહ દરેક આયુસીમાથી પર રહ્યો છે. આ કર્જને હું વ્યાજ સાથે વિકાસ કરીને ચૂકવવા પ્રયાસ કરું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter