વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ ઇન્ડિયાનું સપનું સેવી રહ્યા છે ત્યારે રાજકોટના મોદીફેન કમ્પ્યુટર એન્જિનિયરિંગના વીસ વર્ષીય વિદ્યાર્થી ગોપાલ અશ્વિભાઈ વિઠલાણીએ વોટ્સ એપને પણ ટક્કર મારે તેવી મોબાઈલ એપ ‘મોજ એપ’ બનાવી છે અને મોદીને અર્પણ કરી છે, ગોપાલની ઇચ્છા છે કે આ એપનું લોન્ચિંગ મોદીના હાથે થાય તેથી તેણે પોતાની ઈચ્છા દર્શવતો પત્ર વડા પ્રધાન કાર્યાલયને તાજેતરમાં મોકલ્યો છે. ગોપાલે હાલમાં તો ટ્રાલ બેઇઝમાં મૂકેલી ‘મોજ એપ’ને યુઝર્સે ફાઇવ સ્ટાર રેન્કીંગ આપ્યું છે. કોઈ પણ જાતના કમર્શિયલ ઉપયોગ વગર તેમજ તદ્દન ફ્રી એવી આ એપને ગૂગલે એપીઆઈ લેવલ્સમાં ૯ પ્લસનું રેન્કીંગ આપ્યું છે. ગૂગલ પ્લે સ્ટોર અને મોજએપ.ઈન પરથી ડાઉનલોડ થતી આ એપ સોશિયલ મીડિયામાં કદાચ સૌથી નાની જગ્યા ૧૩.૦૬ એમબીમાં સમાઈ જાય છે.
• નાગવા બિચના ૧૬ લક્ઝુરિયસ ટેન્ટમાં આગઃ કેન્દ્રશાસિત પ્રદેશ દિવને વિશ્વ ફલક પર ચમકાવવા માટે ૭૭ દિવસનાં ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું જે અંતર્ગત નાગવા બિચ પર ૬૦ જેટલા લક્ઝુરિયસ ટેન્ટ ઉભા કરાયા હતા. થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઇને તમામ પર્યટકોથી આ ટેન્ટ હાઉસફુલ હતાં. દરમિયાન બીજી જાન્યુઆરીએ અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં ૧૬ ટેન્ટ ખાક થયા હતા. આગના કારણે ભાગદોડનો માહોલ સર્જાયો હતો.
• ઓપરેશન બાદ ૧૨ દર્દીઓએ દષ્ટિ ગુમાવીઃ રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં આવેલી સાધુ વાસવાણી હોસ્પિટલમાં મોતીયાના ઓપરેશન કરાવ્યા બાદ ૨૫માંથી ૧૨ દર્દીઓને એક આંખમાં અંધાપો આવી જતાં હોબાળા સાથે ખળભળાટ મચી ગયો છે. દર્દી અને તેમના પરિવારજનોએ તાજેતરમાં હોસ્પિટલ ખાતે એકત્રિત થઈ ઓપરેશન કરનાર ડો. હેતલ બખાઈની બેદરકારીનો આક્ષેપ કરી ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાથી કેમ્પમાં થતા મોતિયાના ઓપરેશનની સલામતી બાબતે વધુ એક વખત પ્રશ્નો ઊઠ્યા છે. ૧૨-૧૨ દર્દીને અંધાપો અપાવનાર આ ઘટનાની રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ હેલ્થે તપાસ શરૂ કરી દઈ ઓપરેશન થિયેટર સીલ કરી દીધું હતું. હોસ્પિટલ ખાતે ૨૯મી ડિસેમ્બરથી સવારથી દર્દીઓ અને તેમના પરિવારજનોના ટોળેટોળાં ભેગા થતાં રહ્યા હતા. દર્દીઓ સમક્ષ ડોક્ટર અને ટ્રસ્ટીઓએ ઈન્ફેક્શનને કારણે આ ઘટના બન્યાનો લૂલો બચાવ કર્યો હતો.
• દિવ-ઘોઘલા બ્રિજનું ઉદઘાટન થયુંઃ દમણ-દિવ-દાદરા નગરહવેલીના પ્રશાસક આશિષ કુંદ્રા ૨૩મી ડિસેમ્બરના રોજ દિવ આવ્યા બાદ તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું અને પ્રશાસકના હસ્તે ૨૪ ડિસેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યે દિવ-ઘોઘલાના નવા બ્રીજનું ઉદઘાટન થયું હતું. કુંદ્રાએ કેવડી ગામે એક એજ્યુકેશન હબનું પાયામુહૂર્ત પણ કર્યું હતું.
• આયુર્વેદિક યુનિ.ના ઓડિટોરિયમનું લોકાર્પણઃ આયુર્વેદ ક્ષેત્રે ભારતભરમાં મોખરાનું સ્થાન ધરાવતી જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ૫૦માં સુવર્ણ જંયતી સ્થાપના દિન નિમિત્તે પાંચમી જાન્યુઆરીએ ત્રિવિઠા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તથા નવા તૈયાર થયેલા રસશાળા ભાગ-૩ તથા નવીનીકરણ થયેલા ધન્વંતરિ ઓડિટોરિયમનું લોકાર્પણ રાજ્યના આરોગ્ય તબીબી શિક્ષણ, પરિવાર કલ્યાણ અને માર્ગ અને મકાન વિભાગના પ્રધાન નીતિનભાઈ પટેલના હસ્તે કરાયું હતું.
• તનનું ઋણ અદા કરવા રૂ. ૧ કરોડનું દાનઃ અમરેલી જિલ્લાના ખાંભાના મૂળ વતની અને હાલ અમેરિકા સ્થાયી થયેલા જશુભાઈ લાખાણી (દોશી પરિવાર) ભાઈઓ હસુભાઈ, હિંમતભાઈએ સહપરિવાર તેમની ભારતયાત્રા સમયે તેમના વતન ખાંભાની અને જે. એન. મહેતા હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી. શિક્ષણપ્રેમી એવા લાખાણી પરિવારે ખાંભાના શિક્ષણ માટેની જરૂરિયાત જાણી અને વતન પ્રેમથી પ્રેરિત થઈ મારે વતન માટે અને શિક્ષણ માટે કંઈક કરવું છે તેવી ભાવના સાથે તેમને તાત્કાલિક શાળાનું નૂતન બિલ્ડીંગ બાંધવા માટે રૂ. ૧ કરોડ જેવી માતબર રકમ આપવાની જાહેરાત કરી, તદુપરાંત શાળાના ૧૧ બાળકોને દત્તક લઈ તેના શિક્ષણ કાર્યની જવાબદારી તેમણે સ્વીકારી હતી.
• રઘુવીર સેનાના પ્રવીણભાઈ સોનપાલનું નિધનઃ શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાના પૂર્વ પ્રમુખ લોહાણા સમાજના ભાવનગરના અગ્રણી પ્રવીણભાઈ આર. સોનપાલનું બીજી જાન્યુઆરીના રોજ નિધન થયું હતું. સાંજે રૂપાણી સર્કલ પાસેના પન્ના ટેરેસથી નીકળેલી અંતિમ યાત્રામાં વિવિધક્ષેત્રના અગ્રણીઓ, રઘુવીર સેનાના આગેવાનો, સભ્યો તથા લોહાણા સમાજના અગ્રણીઓએ મોટી સંખ્યામાં જોડાઈને પ્રવીણભાઈને શ્રદ્ધાજંલિ પાઠવી હતી.